Vadodara

VMCમાં ફાયર સૈનિકની ભરતી ‘ઠંડી’ પડી: 11 મહિનાથી પ્રેક્ટિકલ પાસ ઉમેદવારો લેખિત પરીક્ષાના ‘વેઈટિંગ’માં!

દ્વિધામાં મુકાયેલા 20થી વધુ નોકરી વાંચ્છુઓની કમિશનર સમક્ષ રજૂઆત: “અમારો ગુનો શું? વહેલી તકે પરીક્ષા લો”

વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર સૈનિકની ભરતીનો મામલો હવે ગરમાયો છે. છેલ્લા 11 મહિનાથી શારીરિક અને પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરીને બેઠેલા ઉમેદવારોની હજુ સુધી લેખિત પરીક્ષા ન લેવાતા યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યભરમાંથી આવેલા 20થી વધુ નોકરીવાંચ્છુ યુવાનોએ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવી પોતાની વ્યથા ઠાલવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા કોર્પોરેશન દ્વારા ફાયર સૈનિકોની ભરતી માટેની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે. અંદાજે 11 મહિના પહેલા આ જગ્યાઓ માટે જરૂરી પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી હતી. નિયમ મુજબ પ્રેક્ટિકલ પાસ કરનાર ઉમેદવારોએ ત્યારબાદ લેખિત પરીક્ષા આપવાની હોય છે. જોકે, લગભગ એક વર્ષ જેટલો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા લેખિત પરીક્ષાની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી.

આ ભરતીમાં માત્ર વડોદરા જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી યુવાનોએ ભાગ લીધો છે. કમિશનર કચેરીએ પહોંચેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે, “અમે દિવસ-રાત મહેનત કરીને પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરી છે. હવે માત્ર લેખિત પરીક્ષા બાકી છે, જે લેવામાં તંત્ર આળસ કરી રહ્યું છે. લાંબા સમયથી પરીક્ષા ન લેવાતા અમે અન્ય કોઈ નોકરી પર ધ્યાન આપી શકતા નથી કે નથી આગળ વધી શકતા.”

આવેદન આપવા આવેલા યુવાનોએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગના પરિવારો પોતાના સંતાનોને સરકારી નોકરી મળે તે આશાએ બેઠા હોય છે. 11 મહિનાથી આ પ્રક્રિયા અટકેલી હોવાથી ઉમેદવારોની સાથે તેમના પરિવારજનો પણ માનસિક તણાવ અનુભવી રહ્યા છે. યુવાનોની માંગ છે કે કોર્પોરેશન વહેલી તકે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરે જેથી તેમને રોજગારીની તક મળે.
હવે જોવાનું એ રહે છે કે મ્યુનિસિપલ કમિશનર અને વહીવટી તંત્ર આ રજૂઆત બાદ ઊંઘમાંથી જાગીને લેખિત પરીક્ષાનું આયોજન ક્યારે કરે છે.

Most Popular

To Top