Vadodara

કોટંબી સ્ટેડિયમમાં WPL મેચ દરમિયાન વિવાદ, શીખ યુવકને કિરપાણ સાથે પ્રવેશતા અટકાવ્યો :

બંધારણીય અધિકાર વિરુદ્ધ સુરક્ષાકર્મીઓની કાર્યવાહીથી શીખ સમુદાયમાં રોષ :

આસ્થાના પ્રતીકને શસ્ત્ર ગણી એન્ટ્રી ન અપાઈ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.20

વડોદરાના કોટંબી સ્થિત નવનિર્મિત બીસીએ સ્ટેડિયમ ખાતે રમાયેલી વિમેન્સ પ્રીમિયર લીગની રોમાંચક મેચ દરમિયાન એક અપ્રિય ઘટના સામે આવી છે. મેચ જોવા આવેલા એક શીખ યુવકને તેના ધાર્મિક પ્રતીક કિરપાણ સાથે પ્રવેશતા સુરક્ષા કર્મીઓએ અટકાવતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાને પગલે શીખ સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ગણાવવામાં આવી રહ્યું છે.

વુમન્સ પ્રીમિયર લીગ મેચ નિહાળવા આવેલા રોનકપાલ સિંઘ નામના શીખ યુવકને સ્ટેડિયમના પ્રવેશદ્વાર પર તૈનાત સુરક્ષા કર્મીઓએ અટકાવ્યો હતો. સુરક્ષા કર્મીઓએ યુવક પાસે રહેલી કિરપાણને સુરક્ષાના કારણોસર સ્ટેડિયમની અંદર લઈ જવાની મનાઈ ફરમાવી હતી. રોનકપાલ સિંઘે સુરક્ષાકર્મીઓને આ તેમના ધર્મનું અનિવાર્ય અંગ હોવાનું સમજાવવા છતાં, તંત્ર દ્વારા તેમને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હોતા. આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરતા રોનકપાલ સિંઘે જણાવ્યું હતું કે, ભારતીય બંધારણની કલમ 25 મુજબ, દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. આ કલમની સ્પષ્ટતા મુજબ, શીખ ધર્મના અનુયાયીઓ માટે કિપાણ ધારણ કરવી એ ધર્મ પાળવાનો જ એક ભાગ છે. કિપાણ એ કોઈ હિંસક શસ્ત્ર નથી, પરંતુ અમારી આસ્થાનું પવિત્ર પ્રતીક છે. સ્ટેડિયમ પર હાજર સુરક્ષા એજન્સીઓનું આ વર્તન અજ્ઞાનતા અને બંધારણીય અધિકારોનું અપમાન દર્શાવે છે. આ કિસ્સા બાદ સંગઠનો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને સ્થાનિક પોલીસ વહીવટી તંત્ર આ બાબતે ગંભીરતા દાખવે. ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય કક્ષાની મેચો દરમિયાન સુરક્ષાકર્મીઓને ધાર્મિક પ્રતીકો અને બંધારણીય જોગવાઈઓ અંગે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે, જેથી કોઈ પણ વ્યક્તિની ધાર્મિક આસ્થાનું અપમાન ન થાય.

Most Popular

To Top