Vadodara

વડોદરામાં વગર વરસાદે ‘જળબંબાકાર’ : જેતલપુર ગરનાળામાં ગટરના પાણી ઉભરાતા સ્માર્ટ સિટીના દાવાઓ ધોવાયા


જનતાનો આક્રોશ : રોજ લાખો લોકોની અવરજવર છતાં જેતલપુર–દિનેશ મિલ ગરનાળાની હાલત બદતર, કોર્પોરેશન કાગળ પર જ સ્માર્ટ?
વડોદરા: શહેરને સ્માર્ટ સિટી બનાવવાના મોટા મોટા દાવાઓ વચ્ચે તંત્રની ગંભીર બેદરકારી ફરી એકવાર ખુલ્લી પડી છે. શહેરના અતિ વ્યસ્ત ગણાતા જેતલપુર ગરનાળા પાસે આજે વરસાદ વગર જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગરનાળામાંથી ગટરના પાણી ઉભરાતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દૃશ્યો જોઈને પાલિકા અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના વિકાસના દાવાઓ પર અનેક સવાલો ઊભા થયા છે.
જેતલપુર ગરનાળા પાસે આવેલા મંદિરની બહાર પણ ગંદા ગટરના પાણી ફરી વળ્યા હતા. દર્શન માટે આવતા ભક્તોને આ દુષિત પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું હતું.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં બારેમાસ આવી જ સ્થિતિ રહે છે. સામાન્ય વરસાદમાં પણ નાળું બંધ થઈ જાય છે, પરંતુ હવે તો વરસાદ વગર જ રસ્તાઓ પર નદી જેવી સ્થિતિ સર્જાઈ છે.
પરિસ્થિતિની ગંભીરતા જોતા સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે હાથમાં લાઉડસ્પીકર લઈને રસ્તા પર ઉતરી વાહનચાલકોને ચેતવણી આપી હતી કે, “સાવચેતીથી વાહન ચલાવજો, નહીં તો ખાડામાં પડી જશો.” સાથે તેમણે તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વડોદરાનું તંત્ર છેલ્લા 20 વર્ષથી ઊંઘમાં છે. જો આગામી થોડા કલાકોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

સ્થાનિક રહેવાસીઓએ વધુમાં જણાવ્યું હતું કે દિનેશ મિલ, અલકાપુરી અને સાઈબાબા મંદિર પાસેના નાળાની હાલત પણ એવી જ છે. દરરોજ લાખો લોકો અહીંથી પસાર થાય છે, છતાં તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. વાહનચાલકોનો રોષ છે કે, “ચૂંટણી આવે ત્યારે જ વિકાસ દેખાય છે, બાકી વર્ષભર જનતાને ગંદકી અને હાલાકી સહન કરવી પડે છે.”

Most Popular

To Top