અમદાવાદ : અમદાવાદમાં વૃદ્ધ વ્યક્તિને ચાલવામાં તેમજ અન્ય તકલીફ હોવાથી ફિઝીયોથેરાપીના ડોક્ટરની ખોટી ઓળખ આપી તેના ઘરે જઈ સારવાર કરવાના બહાને મોટી રકમ પડાવી લેતા એક શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ આ મામલે એક આરોપી મહંમદ અમજદ મોહમ્મદ મહેબૂબ (રહે, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંગલ દ્વારા શહેરની જુદી જુદી બેંકોના નોડલ ઓફિસરને સૂચના આપવામાં આવી હતી કે, કોઈ વૃદ્ધ વ્યક્તિ પોતાના ખાતામાંથી વધારે નાણાં ઉપાડે અને અજાણ્યા વ્યક્તિને આપે તો સાયબર ક્રાઈમ બ્રાન્ચને તેની જાણ કરવી.જેના પગલે અમદાવાદ ડ્રાઈવ -ઈન રોડ ખાતેની બેંક ઓફ બરોડાના મેનેજર દ્વારા ક્રાઈમ બ્રાન્ચને જાણ કરાઈ હતી કે, એક સિનિયર સિટીઝન છેલ્લા બે દિવસથી પોતાની ફિક્સ ડિપોઝિટમાંથી રૂપિયા ઉપાડીને કોઈને આપી રહ્યા છે.
જેના પગલે નાયબ પોલીસ કમિશનર હાર્દિક માંકડીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ હાથ ધરતા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જી.પી. ઠાકોરની ટીમ બેંકના કર્મચારીઓ સાથે તે વૃદ્ધ વ્યક્તિના ઘરે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા એક શખ્સ તેમની રેકી કરતો હોવાનો જાણવા મળ્યું હતું. તેની તપાસ કરતા વૃદ્ધ વ્યક્તિ જે એકલા રહેતા હોય અને ચાલવામાં કે અન્ય કોઈ તકલીફ હોય તો તેવા વ્યક્તિને રસ્તા પર રોકી ડોક્ટરનો રેફરન્સ આપી ફિઝિયોથેરાપીના ખોટા ડોક્ટરની ઓળખ આપી ઘરે જઈને વૃદ્ધ વ્યક્તિને શરીરને સોય મારી ખોટું કાળું લોહી કાઢીને એક ટીંપાના રૂપિયા 7000 જેટલો ચાર્જ કરીને, આ વૃદ્ધ વ્યક્તિ બેંકમાં પૈસા ઉપાડવા જતા તેની રેકી કરી આરોપીએ વૃદ્ધ વ્યક્તિના ઘરે પહોંચી જઈ ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ડોક્ટર તરીકેની ઓળખ આપનાર મોહમ્મદ શેરૂ ઉફ્રે નોમાન તથા મોહમ્મદ સમીર રહે, રાજસ્થાનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.