અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એક વખત ખોખરાની સેવન્થ-ડે સ્કૂલની ઘટનાને યાદ અપાવી તેવી ઘટના નારણપુરા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલની બહાર જોવા મળી હતી. આજે સવારે ધોરણ- 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર આઠથી દસ વિદ્યાર્થીઓ લાકડીઓ, પટ્ટા, કડા અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં ત્રણ વિદ્યાર્થીઓને ઇજા થવા પામી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફાફડાટ ફેલાઈ ગયો છે.
પ્રાથમિક તપાસમાં ચાર મહિના પહેલા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બોલાચાલીની અદાવત રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
શહેરના નારણપુરા ભુયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર શાળાના ચારથી પાંચ વિદ્યાર્થીઓ તથા અન્ય બહારના વિદ્યાર્થીઓએ લાકડીઓ, પટ્ટા, કડા અને ચપ્પુ વડે હુમલો કરતા ત્રણ વિદ્યાર્થીઓને ઇજા થવા પામી હતી.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચારેક મહિના પહેલા બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બોલાચાલીની અદાવત રાખી આજે સવારે ધોરણ -10માં અભ્યાસ કરતા તેમજ અન્ય ત્રણ વિદ્યાર્થીઓ ઉપર શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તથા અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો. જેમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે, એક વિદ્યાર્થી હુમલાખોર ચપ્પુ વડે હુમલો કરવા જતા .ચપ્પુ પકડી લેતા
આંગળીના ભાગે, જ્યારે અન્યને મૂઢમાર વાગતા ઈજાઓ થવા પામી હતી, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટે તેમજ અન્ય નજરે જોનારના નિવેદનના આધારે હુમલાખોર વિદ્યાર્થીઓની ઓળખ કરી તેવો વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભોગ બનનાર વિદ્યાર્થી અને હુમલો કરનાર વિદ્યાર્થી જૂથ બંને સગીર વયના છે.