અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાના ધમપછાડા શરૂ કર્યા છે તેના પગલે અમેરિકાના જ સાથી દેશો ગણાતા યુરોપિયન દેશોમાં સખત નારાજગી ફેલાઇ ગઇ છે. આમ તો ગ્રીનલેન્ડને પોતાના કબજામાં લેવાની ઇચ્છા અમેરિકા અગાઉ પણ વ્યક્ત કરી ચુક્યુ઼ છે. પરંતુ હાલના પ્રમુખ ટ્રમ્પે તો ગ્રીનલેન્ડ કબજે કરવા માટે રીતસર દાદાગીરી જ શરૂ કરી દીધી છે. ગ્રીનલેન્ડ અને ડેનમાર્કના લોકોએ અમેરિકાની આ દાદાગીરી સામે રેલીઓ કાઢી અને ગ્રીનલેન્ડને સધિયારો આપવા કેટલાક યુરોપિયન દેશોએ પોતાની સૈનિક ટુકડીઓ પણ ગ્રીનલેન્ડ મોકલી.
ગ્રીનલેન્ડના આકાશ પર ડેનમાર્ક અને ફ્રાન્સના લશ્કરી વિમાનોએ કવાયત પણ કરી. આના પછી વધુ ભૂંરાટા થયેલા ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાનો વિરોધ કરનાર યુકે, ફ્રાન્સ, ડેન્માર્ક સહિત આઠ યુરોપિયન દેશો પર દસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને જો ગ્રીનલેન્ડનો સોદો નહી થાય તો જૂનમાં આ ટેરિફને વધારીને ૨૫ ટકા કરવાની પણ ધમકી આપી છે. તેમની આ ચેષ્ટાને અમેરિકાના ખાસ સાથી દેશો બ્રિટન અને ફ્રાન્સના વડાઓએ વાજબી રીતે જ વખોડી નાખી છે.
સૌથી નોંધપાત્ર ઘટનાક્રમમાં યુરોપિયન દેશો પર આ નવા ટેરિફના વિરોધમાં યુરોપિયન સંસદે સીમાચિહ્નરૂપ ટ્રાન્સએટલાન્ટિક વેપાર કરાર પર રોક લગાવી દીધી છે. આ પગલાથી ગયા વર્ષે થયેલી ટ્રાન્સએટલાન્ટિક સમજૂતીના ભવિષ્ય પર શંકાના વાદળો છવાયા છે. જુલાઈમાં ટ્રમ્પ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન દ્વારા હસ્તાક્ષર કરાયેલ યુએસ-EU કરારનો હેતુ વેપાર સંબંધોને સ્થિર કરવાનો હતો. આ યોજના હેઠળ અમેરિકા યુરોપિયન માલ પરના ટેરિફ 15 ટકા પર મર્યાદિત રાખવાનું હતું અને બદલામાં યુરોપ અમેરિકન નિકાસ પરની ડ્યુટી ઘટાડવાનું હતું.
આ કરારને યુરોપિયન સંસદ મંજૂર કરે તે જરૂરી હતું પરંતુ વોશિંગ્ટને ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપ પર દબાણ વધારતા આ પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. ટ્રમ્પે આ અઠવાડિયે આર્કટિક ટાપુ પર સૈનિકોની નાની ટુકડી મોકલનારા યુરોપિયન રાષ્ટ્રો પર વધારાના 10 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ ટેરિફ 1 જૂનથી વધીને 25 ટકા થઈ જશે અને જ્યાં સુધી ગ્રીનલેન્ડની સંપૂર્ણ ખરીદી માટે સોદો ન થાય ત્યાં સુધી લાગુ રહેશે. આ પ્રક્રિયામાં સામેલ સિગફ્રાઈડ મ્યુરેશને જણાવ્યું કે સંબંધો બગડ્યા તે પહેલાં કરાર પર મતદાન ખૂબ નજીક હતું. જુલાઈમાં થયેલી સમજૂતી અમેરિકન આયાત પરના EU ટેરિફને શૂન્ય કરવા માટે બનાવવામાં આવી હતી. આ કરાર મંજૂર જ થઇ ગયો હોત, પણ ટ્રમ્પે ઉભા કરેલા ડીંડવાણાને કારણે હવે આ કરારના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉભો થઇ ગયો છે.
અન્ય નેતાઓએ યુરોપિયન યુનિયનના વડામથક બ્રસેલ્સને વળતો પ્રહાર કરવાની તૈયારી કરવા વિનંતી કરી છે. ‘રિન્યુ યુરોપ’ના વેપાર સંયોજક કરીન કાર્લ્સબ્રોએ જણાવ્યું હતું કે સંસદ કરારને મંજૂરી આપશે નહીં અને બ્લોકે સંઘર્ષ માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે જણાવ્યું, EU એ ટ્રમ્પના ટેરિફ હુમલાઓનો જવાબ આપવા તૈયાર રહેવું જોઈએ, જેમાં સ્વીડનને નિશાન બનાવતા હુમલાઓ પણ સામેલ છે.
જો દબાણ અને બળજબરી ચાલુ રહેશે તો અમે વળતા ટેરિફ અથવા ‘બાઝૂકા’ના ઉપયોગને નકારી શકીએ નહીં એમ તેમણે કહ્યું. ઔપચારિક રીતે ‘એન્ટી-કોર્સન ઇન્સ્ટ્રુમેન્ટ’ તરીકે ઓળખાતી આ પદ્ધતિ EU ને તેવા દેશો સામે રોકાણ, જાહેર પ્રાપ્તિ અને બૌદ્ધિક સંપદાના રક્ષણ પર નિયંત્રણો લાદવાની મંજૂરી આપે છે જે વેપાર દ્વારા બ્લોક પર દબાણ લાવવાનો પ્રયાસ કરે છે. યુરોપમાં અમેરિકા સામે રોષ ધુંધવાઇ રહ્યો છે અને હવે કેવા ઘટનાક્રમો સર્જાય તે જોવાનું રહે છે.