કાલોલ :
કાલોલ તાલુકાના વેજલપુર મુકામે 36 પરગણા રોહિત સમાજનો વિશાળ સ્નેહ મિલન સમારોહ આજે ઉત્સાહભેર યોજાયો હતો. સમારોહમાં સમાજના આગેવાનો, વડીલો, કમિટીના હોદ્દેદારો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંત શિરોમણી રોહિદાસ મહારાજ તથા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. સંત શ્રી રોહિદાસનું લોકપ્રિય ભજન “પ્રભુજી તુમ હમ ચંદન હમ પાની” રજૂ કરાયું હતું. સ્વાગત પ્રવચન 36 પરગણાના પ્રમુખ કૃષ્ણકાંત પરમાર (વેજલપુર) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે 36 પરગણાનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવવા તેમજ સમાજ ભવનના નિર્માણ માટે પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો.
આ પ્રસંગે 36 પરગણાના કમિટીના હોદ્દેદારો અને વડીલોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. 36 પરગણાના ડો. કિરીટ સમયાનું પી.એચ.ડી. પદવી પ્રાપ્ત કરવા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મહામંત્રી જગદીશભાઈ મકવાણાએ સમાજ સુધારણા સતત પ્રક્રિયા હોવાનું જણાવી રોહિત સમાજના દસમા બંધારણના મુદ્દાઓ અને તેની અમલવારી અંગે વિગતવાર માહિતી આપી હતી તથા તમામ ગામોમાં બંધારણના ચુસ્ત અમલ માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી.
શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા ડો. કિરીટ સમયાએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવા અને દર વર્ષે ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ યોજવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોલંકીએ છૂટાછેડા સહિત સમાજના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરી હતી, જ્યારે એડવોકેટ કમલેશભાઈ મકવાણાએ કાનૂની માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે કોયાભાઈ મકવાણાએ આભારવિધિ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ પરમારે કર્યું હતું. સમારોહને સફળ બનાવવા બદલ વેજલપુર રોહિત પંચનો આભાર માનવામાં આવ્યો હતો. અંતે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા, કાલોલ