ધોરણ-10-12ના વિદ્યાર્થીને બોગસ યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા અટકાવવા કાર્યવાહી કરવા સૂચના
યુજીસી દ્વારા મળેલી માહિતીના આધારે સીબીએસઈએ શાળાઓને આ સૂચના અમલમાં મૂકવા તાકીદ કરી
( પ્રતિનિધિ )વડોદરા,તા.19
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓ માટે બોગસ યુનિવર્સિટીને લઈને નિર્દેશ જાહેર કરાયા છે. જેમાં બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર મોકલી નવા શૈક્ષણિક વર્ષની પ્રવેશ કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને બોગસ યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા અટકાવવા માટે કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન પાસેથી મળેલી માહિતીના આધારે બોર્ડે શાળાઓને તાકીદ કરી છે, જેમાં વિદ્યાર્થીઓ-વાલીઓને બોગસયુનિવર્સિટી વિશે માર્ગદર્શન આપવા ઉપરાંત સ્કૂલના નોટિસ બોર્ડ અને વેબસાઈટ પર પણ આ અંગેની સૂચનાઓ લખવા આદેશ કર્યો છે. સીબીએસઈ દ્વારા દેશભરની સીબીએસઈ સંલગ્ન શાળાઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. આ સૂચનામાં વિદ્યાર્થીઓને બોગસ યુનિવર્સિટી ઓમાં પ્રવેશ લેતા અટકાવવા માટે જાગૃતિ ફેલાવવા માટેના દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા મળેલી માહિતીના આધારે સીબીએસઈએ શાળાઓને આ સૂચના અમલમાં મૂકવા તાકીદ કરી છે. યુજીસી દર વર્ષે અને નિયમિત રીતે પોતાની અધિકૃત વેબસાઇટ પર બોગસઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની યાદી જાહેર કરે છે. તેમ છતાં, પૂરતી માહિતીના અભાવે ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ આવી બોગસ યુનિવર્સિટીઓના ભ્રમમાં આવી જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક અને વ્યાવસાયિક ભવિષ્ય જોખમમાં પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીબીએસઈએ શાળાઓને સૂચના આપી છે કે, વિદ્યાર્થીઓને સમયસર સાચી માહિતી આપવામાં આવે, જેથી તેમનું ભવિષ્ય બગડતું અટકી શકે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હોવાથી, સીબીએસઈએ ખાસ કરીને ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને બોગસયુનિવર્સિટીઓના જોખમ વિશે માહિતગાર કરવા જણાવ્યું છે. શાળાઓએ વિદ્યાર્થીઓને સમજાવવાનું રહેશે કે કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેતા પહેલા તેની યુજીસી માન્યતા ચકાસવી અત્યંત જરૂરી છે.
સીબીએસઈની તમામ શાળાઓને સૂચનાનું કડક પાલન કરવા અપીલ :
સીબીએસઈના પરિપત્ર મુજબ, શાળાઓએ વિવિધ પગલાં ભરવાના રહેશે. જેમાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને બોગસ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવાના જોખમ વિશે માર્ગદર્શન આપવાનું રહેશે. વિદ્યાર્થીઓને યુજીસીની અધિકૃત વેબસાઇટ પર સંસ્થાની માન્યતા ચકાસવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, બોર્ડ દ્વારા આપવામાં આવેલી સૂચનાને શાળાના નોટિસ બોર્ડ પર કાયમી રીતે પ્રદર્શિત કરવી તેમજ શાળાની વેબસાઇટ, પરિપત્રો અને પેરેન્ટ-ટીચર મીટિંગ્સ દરમિયાન તેનો પ્રચાર કરવાનો રહેશે. સીબીએસઈએ તમામ શાળાઓને આ સૂચનાનું કડક પાલન કરવા અપીલ કરી છે.