Vadodara

બીસીએ ચૂંટણીનો જંગ : રાજકીય સમીકરણો ગોઠવાયા, 31 બેઠકો માટે 165 ઉમેદવારી ફોર્મ ભરાયા


(પ્રતિનિધિ) વડોદરા, તા.19 :
બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. રમતોને પછાડીને પ્રભુત્વની લડાઈ જેવી બની ગયેલી બીસીએ ચૂંટણી માટે ફોર્મ ભરવાની સોમવારે અંતિમ તારીખ હતી. આગામી 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી માટે કુલ 31 પદો સામે 165 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જેના કારણે ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બન્યો છે.
આ ચૂંટણીમાં રિવાઇવલ, રોયલ અને સત્યમેવ જયતે એમ ત્રણ મુખ્ય ગ્રુપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે. સૌથી વધુ ફોર્મ સત્યમેવ જયતે ગ્રુપ તરફથી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે રોયલ ગ્રુપ તરફથી અનંત ઇન્દુલકરે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. મંગળવારે સ્ક્રુટીની પ્રક્રિયા બાદ અંતિમ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
બીસીએની ચૂંટણી પ્રક્રિયામાં આ વર્ષે નવો રેકોર્ડ સર્જાયો છે. કુલ 702 ફોર્મ લેવામાં આવ્યા હતા, જેમાંથી નિયત સમયમર્યાદા મુજબ સાંજે છ વાગ્યા સુધીમાં 165 ફોર્મ પરત મળ્યા હતા. છ વાગતા મુખ્ય કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારી આઈ.આઈ. પંડ્યાના જણાવ્યા અનુસાર પ્રમુખ પદ માટે સાત, સેક્રેટરી પદ માટે નવ, વાઈસ પ્રેસિડેન્ટ માટે નવ ફોર્મ તેમજ વિવિધ કમિટીઓમાં 30થી 35 જેટલા ફોર્મ ભરાયા છે.
ક્રિકેટપ્રેમીઓ અને સભ્યોની નજર હવે ત્રણેય ગ્રુપના સમીકરણો પર ટકેલી છે. જાણકારોનું માનવું છે કે રોયલ અને રિવાઇવલ ગ્રુપ વચ્ચે ગઠબંધન થાય તો નવાઈ નહીં, જ્યારે કેટલાક માને છે કે ચૂંટણી સમરસ થવાની પણ શક્યતા છે. 16 ફેબ્રુઆરીએ સ્પષ્ટ થશે કે વડોદરાના ક્રિકેટનું ભવિષ્ય કોના હાથમાં રહેશે.
આ દરમિયાન બીસીએના સભ્ય પરાગ પટેલે કહ્યું હતું કે, “બીસીએ ક્રિકેટની સંસ્થા છે, એને રાજકારણનું મેદાન ન બનાવવું જોઈએ. ક્રિકેટ ઉપર ધ્યાન આપો અને સંસ્થાને ખાડામાં જતાં બચાવો.”

Most Popular

To Top