વડોદરા મંડળના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર–3 પર રેલ લાઇનના ટ્રેક સ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા સાથે રાઇડિંગ ક્વોલિટી સુધારવા માટે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. આ સાથે પ્લેટફોર્મ નંબર–3ને 50 મીટર સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે, જેના કારણે ટ્રેન સંચાલન વધુ સુવિધાજનક બનશે અને મુસાફરોની અવરજવર પણ વધુ સુચારુ રીતે થઈ શકશે.

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા જાહેર કરાયેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, એન્જિનિયરિંગ વિભાગના રેલકર્મચારીઓએ સતત 25 દિવસના બ્લોક દરમિયાન આ તમામ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કર્યા છે. અગાઉ પ્લેટફોર્મ નંબર–3ની રેલ લાઇન પર વારંવાર પાણી ભરાવાની સમસ્યા રહેતી હતી, જેના કારણે ગંદકી ફેલાતી હતી અને ટ્રેક સર્કિટ ફેલ થવાની ઘટનાઓ બનતી હતી. આથી ટ્રેનોની સમયપાલન અને સંરક્ષામાં અસર થતી હતી.
આ સમસ્યાના ઉકેલ માટે 400 મીટર લાંબી નવી વોટર હાઇડ્રન્ટ પાઇપલાઇન બિછાવવામાં આવી છે. લાઇન નંબર–3 અને 4 વચ્ચે 300 મીટર લાંબો નવો સેન્ટ્રલ ડ્રેન બનાવવામાં આવ્યો છે તેમજ હાલના 380 મીટર ડ્રેનની મરામત કરી તેના પર કવર સ્ક્રીન લગાવવામાં આવી છે.
આ ઉપરાંત 790 મીટરની ડીપ સ્ક્રીનિંગ, ટોટલ સ્લીપર રિન્યુઅલ અને ટ્રેક જ્યોમેટ્રી સુધારણા કરવામાં આવી છે. પરિણામે ટ્રેકની સ્થિરતા, સુરક્ષા અને રાઇડિંગ ક્વોલિટી વધુ સુધરશે અને ટ્રેન સંચાલન વધુ વિશ્વસનીય બનશે.