વડોદરામાં AAP બૂથ કાર્યકર્તા સંમેલનમાં નેતાઓના ભાજપ પર પ્રહારો
વડોદરા, તા.19 :
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. સંમેલનમાં કેજરીવાલે ભાજપ સરકાર પર કડક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષમાં ભાજપે ગુજરાતને લૂંટી ખોખલું કરી દીધું છે. 2027ની ચૂંટણી સત્તાની નહીં પરંતુ ગુજરાતીઓના સન્માન અને ન્યાયની લડાઈ છે અને આ ચૂંટણીમાં ભાજપ હારી જશે તથા ગુજરાતની સત્તા જનતાના હાથમાં આવશે.

કેજરીવાલે આરોપ લગાવ્યો કે ખેડૂતોને ખાતર, બિયારણ અને પાકના યોગ્ય ભાવ મળતા નથી. સરકારી સ્કૂલો અને હોસ્પિટલોને ઈરાદાપૂર્વક બરબાદ કરવામાં આવી છે જેથી સામાન્ય લોકોને ખાનગી સ્કૂલ અને હોસ્પિટલમાં લૂંટ સહન કરવી પડે. યુવાનોને રોજગાર આપવાને બદલે નશામાં ધકેલી દેવામાં આવ્યા છે. તેમણે આદિવાસી કલ્યાણ ફંડમાંથી પ્રધાનમંત્રીની સભા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનો પણ આક્ષેપ કર્યો.

પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું કે ભાજપને પોતાની સત્તા અને સંગઠનનો ઘમંડ છે, પરંતુ આમ આદમી પાર્ટી ડોર-ટુ-ડોર અભિયાન દ્વારા આ ઘમંડ તોડી નાંખશે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપ સરકાર પોલીસ અને તંત્રનો દુરુપયોગ કરી રાજકીય વિરોધીઓને દબાવી રહી છે, છતાં AAP કાર્યકરો સંઘર્ષથી ડરવાના નથી.

ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં AAP શ્રમિકોના હકો માટે મજબૂત અવાજ બનશે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ગુજરાતમાં જનતાનો આત્મા જાગી રહ્યો છે અને એ જ ભાજપને સૌથી વધુ ડરાવે છે.