ગેરકાયદે બાંધકામનો વિરોધ કરતી ત્રણ મહિલાઓને પોલીસ ઉઠાવી ગઈ હોવાની ફરિયાદ
(પ્રતિનિધિ) સુખસર, તા. 19 :
ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામમાં દલિત સમાજની જમીન ગેરકાયદેસર રીતે પડાવી લેવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ થતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. દલિત મૂળ જમીન માલિક દ્વારા કલેક્ટર દાહોદ, ફતેપુરા પોલીસ સ્ટેશન, ડી.વાય.એસ.પી ઝાલોદ તથા પોલીસ મહાનિર્દેશક ગાંધીનગરને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી છે.
રજૂઆત મુજબ કરોડિયા પૂર્વ ગામે રહેતા કાંતિભાઈ કોયાભાઈ ચમારની વારસાઈ ખેતીની જમીન (રે.સ.નં. 100)માં તેમના રહેણાંક મકાનો તથા અવરજવરનો રસ્તો આવેલો છે. આ રસ્તાની બાજુમાં વર્ષોથી એક મંદિર પણ સ્થિત છે. આરોપ છે કે ફતેપુરા–બલૈયા રોડ વિસ્તારના ત્રણ ઇસમોએ દલિત માલિકોની જાણ બહાર ખોટો વેચાણ દસ્તાવેજ બનાવી જમીન પડાવી લેવાનો પ્રયાસ કર્યો છે.
આ ખોટા દસ્તાવેજના આધારે પોલીસ દ્વારા રસ્તાનો ઉપયોગ બંધ કરાવવા અને મંદિર દૂર કરવા દબાણ કરાયું હોવાનું જણાવાયું છે. વિરોધ કરાશે તો જેલમાં પૂરવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. નોંધનીય છે કે જમીન વિવાદ હાલ કોર્ટમાં વિચારાધીન છે.
16 અને 17 જાન્યુઆરી 2026ના રોજ પોલીસ સ્ટાફ સાથે આરોપીઓ બાંધકામ સામગ્રી લઈ જમીન પર પહોંચ્યા હતા. વિરોધ કરતાં કાંતિભાઈના પરિવારની ત્રણ મહિલાઓને પોલીસે પકડી ફતેપુરા પોલીસ સ્ટેશન લઈ જઈ આખો દિવસ બેસાડી રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દલિત સમાજે આ સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે. હવે આ કેસમાં ન્યાય કોને મળે છે તે આવનાર સમય જ બતાવશે.
રિપોર્ટર: બાબુભાઈ સોલંકી