Vadodara

ઈજનેરી-ફાર્મસીમાં બ્રાન્ચ બદલીના નિયમનો 4 વર્ષે પણ અમલ ન થયો

આંતરિક બદલીમાં મેરિટના મુદ્દે ગૂંચવણભરી સ્થિતિ ઉભી થઈ

શિક્ષણ વિભાગે વર્ષ 2022માં ઠરાવ કરીને બ્રાન્ચની આંતરિક બદલી અને કોલેજ બદલીના નિયમો જાહેર કર્યા હતા

( પ્રતિનિધિ )વડોદરા,તા.19

સરકારી અને ગ્રાન્ટેડ ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી, ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું પ્રથમ વર્ષ અથવા બીજુ સેમેસ્ટર પુરુ થયા બાદ મેળવેલા માર્કસના આધારે ઇચ્છે અને બેઠક ખાલી હોય તો આંતરીક બદલી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2022માં કરાયેલી જાહેરાત અને ઠરાવ બાદ હજુ સુધી તેનો અમલ થયો નથી. આમ, ચાર વર્ષ પછી પણ હાલ વિદ્યાર્થીઓ ઇચ્છે તો બ્રાન્ચ બદલી આપવામાં આવતી નથી.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે જોડાયેલી સરકારી, ગ્રાન્ટેડ ઇજનેરી સહિતની કોલેજમાં કોઇ વિદ્યાર્થી પહેલા વર્ષે જે તે બ્રાન્ચમાં પ્રવેશ મેળવે અને એક વર્ષ અભ્યાસ કર્યા પછી તેને બ્રાન્ચ યોગ્ય ન લાગે તો બીજા વર્ષના પ્રારંભમાં એટલે કે ત્રીજુ સેમેસ્ટર શરૂ થાય તે પહેલા બ્રાન્ચની આંતરિક બદલી કરી શકે તેવી જોગવાઇ કરવામાં આવી હતી. આ માટે વર્ષ 2022માં ખાસ શિક્ષણ વિભાગ દ્વારા એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો. આ ઠરાવમાં આંતરિક બદલી અને કોલેજ બદલી માટે ખાસ નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. આંતરિક શાખા એટલે કે બ્રાન્ચની બદલીમાં એવું નક્કી કરવામાં આવ્યું હતુ કે, પ્રથમ વર્ષ અથવા બીજુ સેમેસ્ટર પુરુ થયા બાદ તેમાં મેળવેલા માર્કસના મેરિટના આધારે વિદ્યાર્થીઓની મળેલી અરજીઓ પરથી સંસ્થાના આચાર્યએ આંતરીક શાખા બદલી આપવાની રહેશે. અન્ય સંસ્થામાંથી બીજા કે ત્રીજા સેમેસ્ટરની શરૂમાં બદલાઇને આવેલા વિદ્યાર્થીઓને આંતરીક શાખા બદલી આપવામાં આવશે નહી તેવી પણ જોગવાઇ કરવામાં આવી હતી. આ સાથે જ કોલેજ ટ્રાન્સફર માટેના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વની વાત એ કે, વર્ષ 2022માં કરાયેલા નિયમો બાદ આજ સુધી તેનો અમલ જ થયો નથી. સૂત્રો કહે છે કે, કોલેજ ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલુ છે. સરકારી કોલેજની ટ્રાન્સફર ટેકનિકલ શિક્ષણ વિભાગ અને સ્વનિર્ભર કોલેજમાં ટ્રાન્સફરની પ્રક્રિયા યુનિવર્સિટી સ્તરે નિયમો પ્રમાણે કરવામાં આવે છે. જોકે, આંતરિક શાખા બદલી અંગે કોઇ સ્પષ્ટતાં ન હોવાના કારણે હાલમાં વિદ્યાર્થીઓની આંતરિક શાખા બદલી કરવામાં આવતી નથી. આંતરિક બદલીમાં મેરિટના મુદ્દે ગૂંચવણભરી સ્થિતિ ઉભી થઇ હતી. પહેલા વર્ષ પછી પ્રવેશ આપવામાં આવે તો પ્રવેશ સમયે જે મેરિટ હતુ, તેની અવગણના થાય તેવી આશંકા ઉભી થઇ હતી. આમ, મેરિટની ગણતરી કેવી રીતે કરવી તેનો વિવાદ હોવાથી અલગથી એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ પોતાનો અહેવાલ પણ સરકારને સુપ્રત કરી દીધો હતો. જોકે, આગળ શું થયુ તે અંગે કોઇ સત્તાવાર જાહેરાત કે સ્પષ્ટતાં સુધ્ધા કરવામાં આવી નથી.

વિદ્યાર્થીઓ ખાલી પડેલી બેઠક પર પ્રવેશ મેળવી શકે તેવું આયોજન

ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી, ફાર્મસી સહિતની કોલેજમા પહેલા સેમેસ્ટરમાં પ્રવેશ લીધા પછી એક વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી કોઇ વિદ્યાર્થીને લાગે કે જે તે બ્રાન્ચ તેના માટે યોગ્ય નથી. આ જ સમયે કોલેજમાં વિદ્યાર્થી ઇચ્છે તે બ્રાન્ચમાં બેઠક ખાલી હોય તો વિદ્યાર્થી અરજી કરે તેને પ્રવેશ ફાળવી આપવો તેવું નક્કી કરાયું હતુ. આમ, પ્રવેશ સમયે વિદ્યાર્થીને ઇચ્છીત બ્રાન્ચ ન મળતી હોય તો એક વર્ષ પછી આજ બ્રાન્ચમાં બેઠક ખાલી હોય તો તક મળે તેમ હતી. પરંતુ, હજુ સુધી આ નિયમનો અમલ જ ન થતાં વિદ્યાર્થીઓ બ્રાન્ચ બદલી શકતાં નથી.

Most Popular

To Top