આંગણવાડી પાસે કચરાના ઢગ અને દારૂની ખાલી બોટલોનું સામ્રાજ્ય; સ્થાનિક ડોક્ટરોએ પણ બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી



વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ તાજબુરહાની કોમ્પ્લેક્સની બાજુમાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા મુકવામાં આવેલી કચરાપેટી સ્થાનિક રહીશો અને માસૂમ બાળકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. આ કચરાપેટીની બિલકુલ બાજુમાં આંગણવાડી કેન્દ્ર આવેલું હોવાથી ત્યાં આવતા નાના બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. ગંદકી અને અસહ્ય દુર્ગંધથી પરેશાન રહીશોએ હવે આ કચરાપેટી તાત્કાલિક ધોરણે હટાવવાની માંગ કરી છે.
સયાજીગંજ વિધાનસભા હેઠળ આવતા ઇલેક્શન વોર્ડ નંબર ત્રણના આ વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો વેપારી વર્ગના છે. રહીશોના જણાવ્યા અનુસાર, કચરાપેટીમાંથી આવતી અસહ્ય દુર્ગંધ અને ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધવાથી આસપાસના લોકો બીમાર પડી રહ્યા છે. સૌથી વધુ ચિંતાની બાબત એ છે કે, આ જ ગંદકીની બાજુમાં આંગણવાડી કેન્દ્ર અને નવયુગ સ્કૂલ આવેલી છે, જ્યાં દરરોજ સેંકડો બાળકો અભ્યાસ માટે આવે છે. ગંદકીના કારણે આ ભૂલકાઓના આરોગ્ય સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે.
સ્થાનિક મહિલાઓ અને ડૉક્ટર ફાતેમાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આ સ્થળ માત્ર ગંદકીનું કેન્દ્ર જ નથી બન્યું, પરંતુ રાત્રિના સમયે અસામાજિક તત્વો અહીં દારૂની ખાલી બોટલો પણ ફેંકે છે. કચરો અને ગંદકી એટલી હદે વધી ગઈ છે કે બહારથી આવતા મહેમાનો પાસે પણ શરમાવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. પશુઓ પણ આ ગંદકીમાં મોઢું મારે છે, જે અંતે દૂધ અને અન્ય માધ્યમો દ્વારા માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
રહીશોનો આક્ષેપ છે કે આ અંગે અવારનવાર વડોદરા મહાનગર સેવા સદનમાં અને સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઇલેક્શન સમયે આવતા નેતાઓ અત્યારે ડોકાતા પણ નથી તેવી રોષે ભરેલી લાગણી નાગરિકોએ વ્યક્ત કરી છે.
– સ્થાનિકોએ માંગણી કરી છે કે:
1.આંગણવાડી અને રહેણાંક વિસ્તારની નજીકથી આ કચરાપેટી તાત્કાલિક હટાવવામાં આવે.
2.કચરાના નિકાલ માટે કોઈ અન્ય વૈકલ્પિક અને સ્વચ્છ વ્યવસ્થા કરવામાં આવે.
3.વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા નિયમિત મોનિટરિંગ કરવામાં આવે.