( પ્રતિનિધિ )વડોદરા,તા.19
વડોદરા શહેરમાં ફરી એક વખત બ્લિન્કિટ ડિલિવરી એજન્સીમાં કામ કરતા યુવકોના વર્તનથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના અટલાદરા નારણવાડી વિસ્તારમાં બ્લીન્કિટ ડિલિવરી એજન્સીના ડિલિવરી બોય અંદરો અંદર બાખડયા હતા અને છુટા હાથની મારામારી કરી હતી. જેનો વીડિયો ત્યાંના એક સ્થાનિક રહીશે ઉતારી વાયરલ કર્યો હતો.

વડોદરા શહેરમાં બ્લિન્કિટ ડિલિવરી એજન્સીમાં કામ કરતા ડિલિવરી બોય અગાઉ પણ વિવાદમાં જોવા મળ્યા હતા. બિભસ્ત ગાળો બોલવી, જાહેરમાં શૌચ ક્રિયા કરવી સહિત આવતી જતી મહિલાઓ યુવતીઓને જોઈ મશ્કરી કરતા હોવાના આક્ષેપ સાથે સમા વિસ્તારમાં અગાઉ વિસ્તારના લોકોએ બ્લીન્કિટનો વિરોધ પણ કર્યો હતો. જે બાદ હવે અટલાદરા નારણવાડી વિસ્તારમાં બ્લીન્કિટ ડિલિવરી એજન્સીના ડિલિવરી કરતા યુવકોથી લોકો કંટાળ્યા છે. ડિલિવરી બોયની રોજની બબાલોથી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંમવાર તંત્રનું ધ્યાન દોર્યું, પણ કોઈ રજૂઆત ધ્યાન પર લેવામાં આવી નથી. અટલાદરા નારણવાડી વિસ્તારમાં બ્લીન્કિટના ડિલિવરી બોયઝ અંદરો અંદર બાખડયા હતા અને મારામારી થઈ હતી. ત્યારે, દરરોજ થતા આવા ઘર્ષણોને કારણે વિસ્તારના લોકો હવે ભયના માહોલમાં જીવી રહ્યા છે.