12 બાળકો અને 2 શિક્ષકોના મોતના બે વર્ષ બાદ પણ મુખ્ય દોષિતો જેલની બહાર;
AAP નેતાએ સુપ્રીમ કોર્ટ સુધી લડવાની ખાતરી આપી
વડોદરા:; હરણી તળાવમાં થયેલા કરુણ બોટકાંડને બે વર્ષ પૂર્ણ થયા છે, તેમ છતાં પીડિત પરિવારો હજુ પણ ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરાની મુલાકાત દરમિયાન પીડિત પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.

વડોદરાની હોટલ વેલકમ ખાતે આયોજિત મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “બે વર્ષ વિત્યા હોવા છતાં એક પણ મુખ્ય દોષિતને કડક સજા થઈ નથી, જે ખૂબ જ દુઃખદ બાબત છે.” તેમણે પીડિત પરિવારોને આશ્વાસન આપતા કહ્યું કે, આમ આદમી પાર્ટી આ લડતમાં તેમની સાથે છે અને જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટમાં લડવા માટે મોટા વકીલોની સુવિધા પણ કરી આપશે.

કેજરીવાલે રાજ્ય સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે હાઈકોર્ટના આદેશ હોવા છતાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
મુલાકાત દરમિયાન પીડિત પરિવારોએ પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે, તેઓ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી તેમને યોગ્ય વળતર કે ન્યાય મળ્યો નથી. જ્યારે તેઓ સીએમની સભામાં રજૂઆત કરવા જાય છે, ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમને હેરાન કરવામાં આવે છે, જે લોકશાહીમાં અત્યંત નિંદનીય છે.
હાલમાં આ મુદ્દો ફરી એકવાર રાજકીય ગરમાવો પકડી રહ્યો છે, ત્યારે જોવાનું એ રહે છે કે શું આ મુલાકાત બાદ પીડિત પરિવારોને ખરેખર ન્યાય મળે છે કે કેમ.
– ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના પર પ્રતિક્રિયા…
તાજેતરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની બનેલી ઘટના અંગે પૂછતા કેજરીવાલે જણાવ્યું હતું કે, આ ભાજપ દ્વારા પ્રેરિત કૃત્ય હતું. તેમણે દાવો કર્યો કે ભાજપના કાર્યકરોએ એક વ્યક્તિને દારૂ પીવડાવીને આ કૃત્ય કરવા માટે ઉશ્કેર્યો હતો, જેનું સત્ય વીડિયો દ્વારા સામે આવી ચૂક્યું છે.