ભ્રષ્ટાચારની નાવમાં 12 માસૂમો ડૂબ્યા, જવાબદારો સામે કડક કાર્યવાહીના નામે માત્ર આશ્વાસનો: પીડિતોનો આક્રોશ




વડોદરા 18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરાના હરણી લેક ઝોનમાં સર્જાયેલી ગોઝારી બોટ દુર્ઘટનાને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. આ દુર્ઘટનામાં ન્યુ સનરાઇઝ સ્કૂલના 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યા હતા. આજે બે વર્ષ બાદ પણ પીડિત પરિવારોના ઘરોમાં માતમ છવાયેલો છે અને ન્યાય માટેની તેમની આશા હવે આક્રોશમાં ફેરવાઈ રહી છે.
દુર્ઘટનાના દિવસે ક્ષમતા કરતા વધુ બાળકોને લાઈફ જેકેટ વગર નાવમાં બેસાડવામાં આવ્યા હતા. પરિવારોના જણાવ્યા મુજબ, તેમને માત્ર વોટર પાર્કની જાણ કરવામાં આવી હતી, બોટિંગ વિશે કોઈ લેખિત સંમતિ લેવાઈ નહોતી. ભ્રષ્ટાચાર અને સુરક્ષાના નિયમોના લીરેલીરા ઉડવાને કારણે આ હૃદયદ્રાવક ઘટના બની હતી.
પીડિતોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી સમક્ષ અનેકવાર રજૂઆતો કરી છે. એસઆઈટી ની રચના અને 15 દિવસમાં રિપોર્ટ આપવાના વાદાઓ છતાં, મુખ્ય આરોપી ગણાતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે હજુ સુધી કોઈ નક્કર દાખલો બેસે તેવી કાર્યવાહી થઈ નથી. પરિવારો સવાલ કરી રહ્યા છે કે, “શું નેતાઓના બિઝનેસ પાર્ટનર હોવાને કારણે ગુનેગારોને બચાવવામાં આવી રહ્યા છે?”
હાલ હરણી લેક ઝોન સીલ કરવામાં આવ્યું છે, ત્યાં મોટા તાળા લટકી રહ્યા છે. પરંતુ પીડિતો કહે છે કે આ તાળા માત્ર ગેટ પર જ નહીં, પણ ન્યાયના દરવાજા પર પણ લાગેલા હોય તેવું લાગે છે. માસૂમ બાળકોના યુનિફોર્મ અને સ્કૂલ બેગ આજે પણ તેમના ઘરે સચવાયેલા છે, જે ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
પીડિત પરિવારોની એક જ માંગ છે કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને જવાબદાર તમામ અધિકારીઓ, સ્કૂલ ટ્રસ્ટીઓ અને કોટિયા પ્રોજેક્ટના સંચાલકોને કડકમાં કડક સજા થાય જેથી ભવિષ્યમાં કોઈ માસૂમ ભ્રષ્ટાચારનો ભોગ ન બને.
પરિવારોના ગંભીર આક્ષેપો:
*ગરીબ હોવાનો ગુનો: એક પીડિત પિતાએ રડતા હૈયે જણાવ્યું કે, “અમે ગરીબ છીએ એ જ અમારો ગુનો છે. ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને અમને ન્યાય માંગવા માટે પણ રોકવામાં આવે છે.”
આરોપીઓને રેડ કાર્પેટ, *પીડિતોને નજરકેદ: પરિવારોએ આક્ષેપ કર્યો છે કે જ્યારે પણ મુખ્યમંત્રી કે વીઆઈપી વડોદરાની મુલાકાતે આવે છે, ત્યારે પીડિત પરિવારોને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવે છે જેથી તેઓ વિરોધ ન કરી શકે. બીજી તરફ, કેસના મુખ્ય આરોપીઓ જાહેર કાર્યક્રમોમાં સ્ટેજ પર જોવા મળે છે.
*વળતરના નામે મજાક: પરિવારોના જણાવ્યા અનુસાર, જાહેર કરાયેલ વળતર પણ હજુ પૂરેપૂરું મળ્યું નથી. 32 લાખ જેવી રકમ સામે માત્ર 25% રકમ આપવામાં આવી છે અને બાકીની રકમ સામે સુપ્રીમ કોર્ટમાં સ્ટે લેવામાં આવ્યો છે.