Vadodara

ભક્તજનો પુષ્પમાળાઓ લઈને આવ્યા, પોતાને ભાવતા વ્યંજન પણ ગુરુને અર્પણ કર્યા

ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ વડોદરા પધારેલા મહંત સ્વામી મહારાજનું સ્વાગત સભામાં અનેરી રીતે ભાવભર્યો આવકાર

વડોદરા: ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી તથા બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ શુક્રવારે વડોદરા પધાર્યા હતા. તેમના આગમન નિમિત્તે આજે રવિવારે સાંજે યોજાયેલી સ્વાગત સભામાં ૧૦,૦૦૦ કરતાં વધુ ભાવિક ભક્તજનોએ અત્યંત ભાવસભર અને અનોખી રીતે તેમનું સ્વાગત કર્યું હતું.

સામાન્ય રીતે દરેક ભાવિકના હૃદયમાં ભગવાન અથવા ગુરુને પોતાના હાથે પુષ્પમાળા અર્પણ કરવાની, મનપસંદ ભોજન અર્પણ કરવાની અને આરતી ઉતારવાની ઈચ્છા રહેલી હોય છે. પરંતુ મહંત સ્વામી મહારાજના માત્ર ૩૪ દિવસના રોકાણ દરમિયાન આટલા વિશાળ ભક્તસમુદાયની આ ભાવના સાકાર થવી શક્ય ન હોવાથી, આજે પ્રતિ રવિવારે યોજાતી રવિસભાને વિશેષ સ્વાગત સભા તરીકે આયોજન કરવામાં આવ્યું હતું.

પૂજ્ય સંતોના અભિનવ આયોજન મુજબ તમામ ભક્તજનો પોતાની સાથે પુષ્પમાળાઓ લઈને આવ્યા હતા તેમજ પોતાને ભાવતા વ્યંજન પણ અર્પણ માટે સાથે લાવ્યા હતા. આયોજન અનુસાર તમામ ભક્તજનોએ પોતાના સ્થાનેથી જ ભગવાન તથા ગુરુને પુષ્પમાળા અર્પણ કરી, જેના કારણે એક અદભુત અને ભાવવિભોર દૃશ્ય સર્જાયું હતું.

ત્યારબાદ ભક્તજનો દ્વારા ઘરેથી લાવવામાં આવેલા મનપસંદ વ્યંજન પ્રભુ પ્રતિમાઓ તથા મહંત સ્વામી મહારાજને પોતાના સ્થાનેથી જ અર્પણ કરવામાં આવ્યા, જેને ભગવાન અને ગુરુએ અંગીકાર કર્યા હોવાનું ભક્તજનોએ હૃદયપૂર્વક અનુભવ્યું હતું.
સભાના અંતે દસ હજારથી વધુ ભક્તજનોએ એકસાથે ભગવાનના સ્વાગતરૂપ કીર્તન ગાયું હતું અને સમૂહ આરતી દ્વારા આ ભવ્ય સ્વાગત સભાનું ભાવસભર સમાપન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top