Dahod

અનામત જંગલ વિસ્તારમાં દીપડાની હત્યા મામલે બે આરોપીઓ ઝડપાયા

વન વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં ચોરાયેલા અવયવો અને હથિયાર કબજે

દાહોદ તા 18 વિનોદ પંચાલ

બારીયા વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની સરજુમી રેન્જની સરજુમી બીટના ફોફણ ગામે આવેલા અનામત જંગલ વિસ્તારમાં તા. 16/01/2026ના રોજ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ–1972ની અનુસૂચી-૧માં સમાવિષ્ટ અને કાયદા હેઠળ સંપૂર્ણ રક્ષણ પ્રાપ્ત એવા વન્યપ્રાણી દીપડા (માદા, અંદાજિત વય ૫ વર્ષ)ના અવયવો ચોરી ગયાની ગંભીર ઘટના સામે આવી હતી. મૃત દીપડાના આગલા જમણા અને ડાબા પગના નખ કુલ ૮ આખા અને ૧ અડધો તેમજ મૂછના વાળ ૨૭ નંગ દાતરડાથી કાપી લઈ ગયેલા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

આ ઘટનાને પગલે ડૉ. સંદીપકુમાર, મુખ્ય વન સંરક્ષક, વડોદરા વન વર્તુળના માર્ગદર્શન હેઠળ તથા મિતેશ પટેલ, નાયબ વન સંરક્ષક, બારીયાના નિરીક્ષણમાં કે.એન. ખેર, મદદનીશ વન સંરક્ષક, દાહોદ, ડી.બી. બારીઆ, આર.એફ.ઓ. સરજુમી અને એમ.એન. પ્રજાપતિ, આર.એફ.ઓ. રંધીકપુરની આગેવાનીમાં જુદી જુદી ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વન્યપ્રાણીના ચોરાયેલા અવયવો તથા ગુનામાં વપરાયેલ હથિયાર આરોપીના ઘરેથી કબજે કરવામાં આવ્યા હતા.

આ મામલે નીચે જણાવેલ આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ–1972ની કલમ 2(31), 2(32), 2(35), 2(36), 39, 40, 50, 51 અને 52 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓને એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ , લીમખેડાની કોર્ટમાં રજૂ કરતા દિન–૨ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.


પકડાયેલા આરોપીઓ
ધુળાભાઈ ધનાભાઈ હઠીલા, ઉ.વ. 79, ધંધો – ખેતી, રહે. વાવડી ફળિયું, સરજુમી, પો. પાડલીયા, તા. સિંગવડ, જી. દાહોદ

બાબુભાઈ ધુળાભાઈ હઠીલા, ઉ.વ. 42, ધંધો – ખેતી, રહે. વાવડી ફળિયું, સરજુમી, પો. પાડલીયા, તા. સિંગવડ, જી. દાહોદ

વન વિભાગ દ્વારા વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

Most Popular

To Top