રેડ લાઇટ જમ્પના ખોટા ચલાનના નામે APK ફાઇલ મોકલી સાઇબર ઠગાઈ
વડોદરા:
આજના ડિજિટલ યુગમાં સરકારી સેવાઓ માટે મોબાઇલ એપ્લિકેશન્સનો વ્યાપક ઉપયોગ થાય છે. વાહન વ્યવહાર સંબંધિત માહિતી માટે ભારત સરકારની mParivahan એપ્લિકેશન લોકોમાં ખૂબ લોકપ્રિય છે. જોકે તાજેતરમાં https://mparivahandownloads.live/Apk નામની એક શંકાસ્પદ લિંક સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ મારફતે વાયરલ થઈ રહી છે, જેમાં વપરાશકર્તાઓને રેડલાઇટ જમ્પ કરવા બદલ રૂ.1000નો દંડ ભરવાનો ખોટો મેસેજ મોકલવામાં આવી રહ્યો છે.
મેસેજમાં દંડની માહિતી સાથે APK ફાઇલ ડાઉનલોડ કરવા માટે લિંક આપવામાં આવે છે. અગાઉ “RTO Chalan.apk” જેવી ફાઇલોનો ઉપયોગ થતો હતો, જ્યારે હવે સાઇબર ગઠિયાઓ લિંક મારફતે APK મોકલવાની નવી પદ્ધતિ અપનાવી રહ્યા છે. સાઇબર એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા કરાયેલા ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું છે કે આ લિંક સંપૂર્ણપણે નકલી અને જોખમી છે.
ફેક્ટ ચેકમાં શું બહાર આવ્યું?
ફેક્ટ ચેક અનુસાર, આ વેબસાઇટનું ડોમેઇન “.live” છે, જે કોઈ પણ સરકારી વેબસાઇટમાં વપરાતું નથી. mParivahanની અધિકૃત એપ્લિકેશન ફક્ત Google Play Store અથવા Apple App Store પરથી જ ઉપલબ્ધ છે અને તેનું પેકેજ નામ com.nic.mparivahan છે. અધિકૃત વેબસાઇટ્સ parivahan.gov.in અથવા mparivahan.parivahan.gov.in છે. આ નકલી લિંક હાલમાં ડાઉન (સ્ટેટસ કોડ 503) છે, પરંતુ આવી લિંક્સ ફરી સક્રિય થઈ શકે છે.
આ લિંક કેમ જોખમી છે?
આ લિંક એક મલ્ટી-સ્ટેજ માલવેર કેમ્પેઇનનો ભાગ છે. APK ડાઉનલોડ થતાં જ મોબાઇલમાં વાયરસ ઇન્સ્ટોલ થઈ જાય છે, જે બેંકિંગ વિગતો, પાસવર્ડ, ફોટા, સંપર્કો ચોરી શકે છે તેમજ ફોનને રિમોટ રીતે હાઇજેક કરી શકે છે.
સુરક્ષિત રહેવા માટે શું કરશો?
એપ્લિકેશન ફક્ત અધિકૃત એપ સ્ટોરમાંથી જ ડાઉનલોડ કરો
“.gov.in” સિવાયની લિંક્સ પર વિશ્વાસ ન કરો
મોબાઇલમાં અપડેટેડ એન્ટીવાયરસ રાખો
કોઈ નુકસાન થયું હોય તો તરત 1930 સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ કરો
– મયુર ભુસાવળકર (સાયબર એક્સપર્ટ)