સુરત: એક તરફ મહાપાલિકા તંત્ર (SMC MANAGEMENT) દ્વારા બેફામ બની રહેલા કોરોના (CORONA) અંગે એવું કહેવામાં આવે છે કે 50 ટકા જેટલું સંક્રમણ રાજ્ય બહાર(OUT OF STATE)થી શહેરમાં આવનારા અને ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકો દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે પરંતુ સુરતમાં રોજ સંખ્યાબંધ મુસાફરો રેલ્વે સ્ટેશન પર તથા બસ મારફતે અન્ય રાજ્યમાંથી આવતાં હોવા છતાં પણ કોરોનાના ચેકિંગ કે ટેસ્ટિંગના નામે લોલમલોલ જ ચાલી રહ્યું છે.
બહારના રાજ્યમાંથી સુરત રેલ્વે સ્ટેશન પર અને બસ સ્ટેશન પર ચેકીંગ માટે મનપાના કર્મચારીઓ મોટા ભાગનો સમય દેખાતા જ નથી. ક્યારેક કર્મચારી હોય તોયે મુસાફરોના ધસારાની સામે ખૂબ ઓછી સંખ્યામાં હોવાથી મોટા ભાગના મુસાફરોનું ચેકિંગ કરવામાં આવતું નથી. ક્યા મુસાફરો સુરત ઉતર્યા તેની માહિતી પણ મ્યુનિ. તંત્ર પાસે મોટા ભાગે નથી હોતી. આવા સંજોગોમાં થતાં રેન્ડમ ચેકિંગમાં જે મુસાફર ‘પકડાયો તે ચોર’ જેવી સ્થિતિ ઊભી થાય છે. જ્યારે હજારો મુસાફરો (PASSENGER) વિના કોઈ રોક ટોક એમને એમ જ નીકળી જાય છે અને શહેરમાં સંક્રમણનો ભય વધારતા જ જાય છે.
રાજ્ય બહારના મુસાફરોને 7 દિવસ ક્વોન્ટાઈન કરવાનો નિયમ માત્ર કાગળ પર બનાવી સંતોષ મનાયો
પાલિકા કમિશનર દ્વારા અન્ય રાજ્યોમાંથી સુરત આવતાં લોકોને સાત દિવસ ફરજ્યાત કોરોન્ટાઈનનો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ આ નિયમમાં મોટા છીંડા જોવા મળી રહ્યાં છે. સુરત રેલ્વે સ્ટેશન પર અન્ય રાજ્યોમાંથી સંખ્યાબંધ ટ્રેનમાં રોજ હજારો મુસાફરો સુરત આવી રહ્યાં છે એમની ભાગ્યે જ કોઈ પણ પ્રકારની પૂછપરછ કે કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. 24 કલાક ધમધમતા સુરત રેલવે સ્ટેશન પર ખૂબ થોડા સમય માટે અને ખૂબ ઓછી સંખ્યામાં જ તંત્રના કર્મચારીઓ હાજર હોય છે. મોટાભાગના મુસાફરો વિના કોઈ રોક ટોક કે પૂછપરછ સ્ટેશન પરથી બહાર નીકળી જતા હોય છે, અને શહેરમાં ફરતા થઈ જાતા હોય છે ત્યારે 7 દિવસના ક્વોરન્ટાઈનના ફતવાનો છેદ ઊડી જાય છે.
શું કહે છે રેલવે સત્તાધીશો
રેલવે સત્તાધીશોએ આ મામલે જણાવ્યું હતું કે, આ જવાબદારી મહાનગર પાલિકાની છે, અમારી નથી. આ મામલે અમે મહાનગર પાલિકાને પહેલે થી જ જાણ કરી છે.