ડમ્પીંગ યાર્ડમાં કચરો બાળવાથી શ્વાસ, આંખ અને છાતીના રોગો ફેલાયા, પોલીસ સ્ટેશનમાં નગરજનોની લેખિત ફરિયાદ
ગુજરાત મિત્ર ન્યુઝ, ઝાલોદ
ઝાલોદ નગરમાં નગરપાલિકા સંચાલિત ડમ્પીંગ યાર્ડમાં રાત્રી દરમ્યાન કચરો બાળવામાં આવતાં ઉઠતા ઝેરી ધુમાડાએ નગરજનોના આરોગ્ય પર ગંભીર અસર પહોંચાડી છે. ડમ્પીંગ યાર્ડમાંથી ઉઠતા ધુમાડાના ગોટેગોટા નગરજનોના ઘરોમાં પ્રવેશી જતા શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા, છાતીમાં દુખાવો, ઉલટી, માથાના દુખાવા તેમજ દમ અને એલર્જી જેવી બીમારીઓ ફેલાઈ હોવાની ફરિયાદો સામે આવી છે. આ ઝેરી ધુમાડાના કારણે અનેક નગરજનો માંદગીમાં પટકાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ગંભીર પરિસ્થિતિને લઈ ઝાલોદ નગરના રહીશો ભારે આક્રોશ સાથે ટોળેટોળા ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને નગરપાલિકા ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા વિરુદ્ધ લેખિત અરજી આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. નગરજનોએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી આ સમસ્યા અંગે નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

સમસ્યા અંગે ચીફ ઓફિસરને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, પરંતુ ઘટના સ્થળે હાજર ન રહેતાં નગરજનોનો રોષ વધુ ભભૂકી ઊઠ્યો હતો. ડમ્પીંગ યાર્ડમાં સળગતા કચરાથી ઉઠતા ઝેરી ધુમાડાને લઈ દાહોદ જિલ્લા કલેક્ટરને પણ ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં નગરજનો દ્વારા ચીફ ઓફિસર સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે નગરપાલિકાના કેટલાક કાઉન્સિલરો પણ આંતરિક રીતે ચીફ ઓફિસર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, જોકે ખુલીને બોલવામાં સંકોચ જોવા મળ્યો હતો.

નગરના એક જાગૃત નાગરિક દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરાઈ હતી. મુખ્યમંત્રી દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા લેખિત આદેશો કરાયા હોવા છતાં જમીન પર કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી, તેવું નગરજનોનું કહેવું છે.
ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. રવિ ગામીતને નગરજનો દ્વારા લેખિત અરજી કરી ચીફ ઓફિસર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. નગરજનોએ ચેતવણી આપી હતી કે જો આ ગંભીર બેદરકારી અને જનઆરોગ્ય સાથેના ચેડાને નજરઅંદાજ કરવામાં આવશે તો નગર બંધ રાખી ઉગ્ર દેખાવો તથા કાયદેસરની ફરિયાદ કરવામાં આવશે.
આ તરફ, નગરપાલિકા દ્વારા રાત્રી દરમ્યાન ઉઠેલા ધુમાડાને અટકાવવા ફાયર ફાઇટરની મદદથી આગ ઓલવવામાં આવી હતી, પરંતુ નગરજનોનું કહેવું છે કે માત્ર આગ બુઝાવવી પૂરતી નથી અને જ્યાં સુધી કચરો બાળવાની પ્રક્રિયા સંપૂર્ણ બંધ નહીં થાય ત્યાં સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે.
ડમ્પિંગ યાર્ડમાં કચરો બાળવાથી ઊઠતો ઝેરી ધુમાડો નગરજનોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની રહ્યો છે
“આ બાબતે પાલિકા તંત્રને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ડમ્પિંગ યાર્ડમાં કચરો બાળવાથી ઊઠતો ઝેરી ધુમાડો નગરજનોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની રહ્યો છે, છતાં પાલિકા તંત્ર આ મુદ્દે સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયું છે.”
મનોજ અગ્રવાલ: સ્થાનિક રહીશ
જો સમસ્યાનું કાયમી નિરાકરણ તાત્કાલિક નહીં લાવવામાં આવે તો પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.”
“ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને નગરના વિકાસ તથા જનસમસ્યાઓ સાથે કોઈ લેવાદેવા નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા છ મહિનાથી સતત રજૂઆતો છતાં નગરજનોને ઝેરી ધુમાડાથી કોઈ રાહત મળી નથી. આજરોજ ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા વિરુદ્ધ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જો સમસ્યાનું કાયમી નિરાકરણ તાત્કાલિક નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં જનઆંદોલન હાથ ધરવામાં આવશે તથા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.”
ગોરધન પટેલ: પંચશીલ સોસાયટી પ્રમુખ
રિપોર્ટર: દક્ષેશ ચૌહાણ