દમણ: સંઘપ્રદેશ દમણના ડાભેલ સ્થિત હોટલ પ્રિન્સ ગાર્ડનમાં બીજા માળે એક રૂમમાં આગ લાગતા રાજકોટના એક યુવાનનું દાઝીને બાથરૂમમાં ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ગુજરાતના રાજકોટ શહેરમાં રહેતા 37 વર્ષીય વિનય વિરમગામા, 29 વર્ષીય ક્ષિતિજ પંડ્યા, 32 વર્ષીય સતીષ વિનોદભાઈ ભૂત અને 31 વર્ષીય પાર્થ ધીરુભાઈ પગધર મકરસંક્રાંતિના દિવસે દમણ ફરવા માટે આવ્યા હતાં. આ મિત્રો ડાભેલમાં હોટલ પ્રિન્સ ગાર્ડનના બીજા માળે રૂમ લઈ ખાણીપીણી કરી રહ્યા હતા. બપોરે વિનય વિરમગામા બેડરૂમમાં સૂતેલો હતો. જ્યારે અન્ય 3 મિત્ર હોટલના નીચેના ભાગે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતાં. આ દરમ્યાન રૂમમાં આગ લાગી હતી.
હોટલના બીજા માળે આગ લાગવાની જાણ હોટલ સંચાલકો અને વિનયના મિત્રોને થતાં તેઓ તુરંત ઉપર દોડી વિનયને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. લોકોએ રૂમ ખોલતા અંદર આગની જ્વાળાઓએ આખા રૂમને પોતાની ચપેટમાં લઇ લીધી હતી. વિનય રૂમના બાથરૂમમાં પાણીનો શાવર ચાલુ હોય અને તેની નીચે દાઝેલી અવસ્થામાં ગુંગળાઈને બેભાન જેવી સ્થિતિમાં પડેલો જોવા મળ્યો હતો. તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ વિનય વિરમગામા (ઉં.37, રહે. આકાશવાણી ક્વોર્ટર્સની પાછળ, યુનિવર્સિટી રોડ, રાજકોટ, ગુજરાત)ને મૃત જાહેર કર્યો હતો.
દમણ સોમનાથ ફાયર વિભાગની 6 જેટલી ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. હોટલમાં કામ કરતા એક-બે માણસોને પણ આ ઘટનામાં નાની મોટી ઇજાઓ થઈ હતી. જો કે હોટલના રૂમમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી કે પછી રૂમમાં સિગારેટ ફૂંકવાના કારણે લાગી હતી એનું ચોક્કસ કારણ એફ.એસ.એલ.ના રિપોર્ટ બાદ જ જાણવા મળશે. આ મામલે પોલીસે કચીગામ પોલીસ મથકે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી મૃતક યુવાનના પોસ્ટમાર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી તેના દેહને તેના પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
શું પ્રિન્સ ગાર્ડન હોટલના રૂમમાં આગથી બચવા સિલીંગના શાવર હતા કે નહીં?
હોટલોમાં મહેમાનોના રૂમમાં આગ જેવી ઘટના સર્જાય ત્યારે સિલીંગ તરફથી પાણીના શાવરવાળા સેન્સર લગાવામાં આવેલા હોય છે. આગ જેવી કોઈ ઘટના સર્જાય ત્યારે તે એક્ટિવ થઈ પાણીનો શાવર શરૂ થઈ જતો હોય છે, જેના કારણે મોટી દુર્ઘટનાથી બચી શકાતું હોય છે. ત્યારે આવી કોઈ વ્યવસ્થા ડાભેલની પ્રિન્સ ગાર્ડનના રૂમમાં હતી કે નહીં તેવો ગણગણાટ આ વિસ્તારમાં રહેતા પ્રબુદ્ધ લોકોમાં ઉઠ્યો હતો. સાથે સંબંધિત વિભાગ દ્વારા આ મામલે નિષ્પક્ષ રીતે તપાસ થવી જોઈએ અને તપાસ કાર્યમાં કોઈ પણ પ્રકારની ત્રુટી હોટલ સંચાલકો તરફથી જોવા મળે તો તેમની સામે કાયદાકીય પગલા ભરવાની તૈયારી પણ વિભાગે દાખવવી જોઈએ તેવું ચર્ચાય રહ્યું છે.