Vadodara

મકરપુરામાં પોલીસની 112 વાનના બોનેટ પર બેસી યુવતીએ કર્યો હંગામો

નશાની હાલતમાં હોવાનું અનુમાન, પ્રેમી સાથે ઝઘડાને પગલે જાહેરમાં બખેડો કર્યાની ચર્ચા
વડોદરા, તા. 16
સંસ્કારી નગરી વડોદરામાં યુવકો દ્વારા નશો કરીને ધમાલ મચાવવાના બનાવો અવારનવાર સામે આવતા રહે છે, પરંતુ આ વખતે એક યુવતી દ્વારા જાહેરમાં હંગામો કર્યાની ઘટના ચર્ચાનો વિષય બની છે. વડોદરાના મકરપુરા GIDC વિસ્તારમાં એક યુવતીએ રોડ પર બખેડો કરીને સમગ્ર વિસ્તારનું ધ્યાન ખેંચ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, યુવતીએ રોડ પરથી પસાર થઈ રહેલી પોલીસની 112 જનરક્ષક વાનને અચાનક અટકાવી હતી અને ત્યારબાદ વાનના બોનેટ પર બેસી જઈ નાટકબાજી કરતી જોવા મળી હતી. આ ઘટનાને કારણે થોડા સમય માટે ટ્રાફિક અને જનજીવન પ્રભાવિત થયું હતું.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, યુવતીએ નશો કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. ઉપરાંત, યુવતી અને તેના પ્રેમી વચ્ચે ઝઘડો થયો હોવાના કારણે ગુસ્સામાં આવીને તેણે જાહેરમાં આવું વર્તન કર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બનાવ અંગે પોલીસ દ્વારા યુવતીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top