Vadodara

ત્રણ મજલી મકાનની ટેરેસ પરથી બાજુના મકાનની ટેરેસ પર આધેડ ખાબકયા,રોપ રેસ્ક્યુ કરાયું

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં પતંગ પકડવા જતા ત્રીજા માળની ટેરેસ પરથી બાજુના મકાનના ધાબા પર પટકાયેલા આધેડને ગંભીર ઈજાઓ

( પ્રતિનિધિ )વડોદરા,તા.15
વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં પતંગ પકડવા જતા ત્રીજા માળની ટેરેસ પરથી બાજુના મકાનના ધાબા પર પટકાયેલા આધેડને ગંભીર ઈજાઓ થતા ફાયર બ્રિગેડ દ્વારા દિલ ધડક રોપ રેસ્ક્યૂ કરી આધેડનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના નવરંગ સિનેમા પાસે ત્રણ માળના એક મકાનની ઉપરની કેબિન ઉપર 52 વર્ષીય હરીશ રાણા પતંગ પકડવા જતા બાજુના બંધ મકાનની બીજા માળની ટેરેસ પર પડ્યા હતા. જેને કારણે તેમને માથા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

વળી બાજુનું મકાન બંધ હોવાથી તેમને સારવાર માટે લઈ જઈ શકાય તેવી પરિસ્થિતિ પણ ન હતી. આખરે ફાયર બ્રિગેડની મદદ લેવાતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડના સૈનિક સલીમભાઈ અને સ્ટાફના માણસો બનાવના સ્થળે પહોંચ્યા હતા અને અડધો કલાક ની કામગીરી કરી ખૂબ જ સાવધાની પૂર્વક ઈજાગ્રસ્તનું રોપ રેસ્ક્યુ કર્યું હતું.

ઈજાગ્રસ્ત આધેડ જે મકાનની ટેરેસ પર પડ્યા તે બંધ હોવાથી ત્યાંથી કાઢી શકાય તેમ ન હતું. જેને કારણે ફાયર બ્રિગેડ દ્વારા તેઓને ફરીથી ત્રીજા માળે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી સીડી મારફતે નીચે ઉતારી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top