અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજકાલ ખૂબ માથાભારે વર્તન કરવા માંડ્યા છે. આમ તો તેમની છાપ એક અડબંગ નેતા તરીકેની રહી જ છે, ઘણી વખત તેઓ માથાભારેપણુ કરી જાય છે પરંતુ બીજી ટર્મમાં તો તેમણે હદ વટાવી દીધી છે. આવતાની સાથે તેમણે ઇમિગ્રેશન અને ટેરિફના મામલે આડેધડ પગલા ભરવા માંડ્યા. ઇમિગ્રેશન બાબતે કડકાઇઓને કારણે અમેરિકાભરના ઇમિગ્રન્ટોમાં તેઓ અળખામણા બન્યા. ભારત સહિત અનેક દેશો પર તેમણે આકરા આયાત વેરા (ટેરિફ) ઝિંકયા અને હજી તો વધુ ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે.
ત્યારબાદ તેમણે વેનેઝુએલાના મામલે તો હદ વટાવી. આ નબળા લેટિન અમેરિકન દેશ પર હુમલો કરીને તેના સત્તાવાર પ્રમુખને તે જાણે કોઇ મામૂલી અપરાધી હોય તે રીતે સજોડે ધરપકડ કરાવીને અમેરિકા લઇ આવ્યા. તેના પછી અન્ય લેટિન અમેરિકન દેશો કોલંબિયા, મેક્સિકો, ક્યુબાને ધમકીઓ આપવા માંડ્યા. ઇરાનમાં દખલગીરી કરવા આગળ વધ્યા અને ગ્રીનલેન્ડના મામલે તો રીતસરની ખુલ્લી દાદાગીરી કરવા માંડ્યા છે. એક સાર્વભૌમ દેશને તેની સરકાર અને પ્રજાની ઇચ્છા વિરુદ્ધ અમેરિકાના કબજામાં લઇ લેવાની વાત કરી રહ્યા છે.
દુનિયાની યુએનની પેટા સંસ્થાઓ સહિત અનેક સંસ્થાઓમા઼થી ટ્રમ્પે અમેરિકાને પાછુ ખેંચી લીધું છે. ગ્રીનલેન્ડના મામલે તેઓ ઉત્તરીય એટલાન્ટિક વિસ્તારના દેશોના લશ્કરી સંગઠન નાટોની પણ ધરાર અવગણના કરવા માંડ્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે રાત્રે જણાવ્યું હતું કે નાટો (NATO)ને અમેરિકાની જરૂરિયાત ‘આપણી તેમના પ્રત્યેની જરૂરિયાત કરતા વધુ’ છે. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે શું ગ્રીનલેન્ડ લેવાથી ગઠબંધન સાથેના સંબંધોને નુકસાન થઈ શકે છે.
ટ્રમ્પે કહ્યું, ‘જો તે નાટોને અસર કરતું હોય, તો ભલે કરે. પરંતુ, તમે જાણો છો કે તેમને આપણી જરૂરિયાત વધુ છે, હું અત્યારે તમને આ કહી રહ્યો છું.’ નાટો સંગઠનની ઠેકડી ઉડાડીને તેઓ યુરોપિયન દેશોમાં અળખામણા બનવા માંડ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે ગ્રીનલેન્ડ અથવા ડેનમાર્કને કોઈ સત્તાવાર પ્રસ્તાવ આપ્યો છે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે તેમણે હજી સુધી નથી આપ્યો – પરંતુ ત્યારબાદ તેમણે આ ટાપુની સુરક્ષા અંગે ગંભીર આકલન રજૂ કર્યું હતું. ટ્રમ્પે કહ્યું, ‘ગ્રીનલેન્ડે આ સોદો કરી લેવો જોઈએ કારણ કે ગ્રીનલેન્ડ રશિયા કે ચીનને કબજો કરતા જોવા માંગતું નથી.
ડેન્માર્કના લશ્કરની દેખીતી ઠેકડી ઉડાવતા ટ્રમ્પે કહ્યું હતું કે ગ્રીનલેન્ડની સંરક્ષણ વ્યવસ્થામાં મૂળભૂત રીતે માત્ર બે ડોગસ્લેજ (કૂતરા દ્વારા ખેંચાતી ગાડીઓ) જ છે. તે દરમિયાન, તમારી પાસે બધી જગ્યાએ રશિયન વિનાશક જહાજો ફરે છે.’ અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રીનલેન્ડના સંરક્ષણની જવાબદારી ડેન્માર્ક પાસે છે, જેનું લશ્કર ઘણુ નાનુ છે. રશિયા અને ચીને ક્યારેય ગ્રીનલેન્ડને પોતાના કબજામાં લેવાની વાત કરી નથી પરંતુ આ દેશો ગ્રીનલેન્ડ પર કબજો જમાવશે એવુ઼ કહીને ટ્રમ્પ એક હાઉ ઉભો કરીને ગ્રીનલેન્ડને પોતાના કબજામાં લેવા માગે છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જાતને વેનેઝુએલાના ‘એક્ટિંગ પ્રેસિડેન્ટ’ (કાર્યકારી પ્રમુખ) જાહેર કર્યા છે. આ જ મહિને અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને એક હુમલા બાદ પકડી પાડ્યા હતા અને હવે તેમની સામે અમેરિકામાં ડ્રગ્સની હેરાફેરી સહિતના અનેક આરોપો હેઠળ કેસ ચલાવવામાં આવશે.પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટ દ્વારા ડિજિટલ રીતે ફેરફાર કરેલી તસવીર શેર કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ વેનેઝુએલાના કાર્યકારી પ્રમુખ છે. ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર ડોનાલ્ડ ટ્રમ્પે વિકિપીડિયાના ઓફિશિયલ પેજ સાથે આ એડિટ કરેલી ઈમેજ પોસ્ટ કરી છે, જેમાં તેમના ઓફિશિયલ પોર્ટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની નીચે વેનેઝુએલાના એક્ટિંગ પ્રેસિડેન્ટ લખેલું છે.
જો કે આ મજાકમાં કર્યુ હોવાનું જણાઇ આવે છે છતાં તેમાં આંતરરાષ્ટ્રીય નિયમોની એસીતેસી કરવાની વૃતિ તો દેખાઇ જ આવે છે. છેલ્લા કેટલાક સમયમાં ટ્રમ્પે કરેલા ઉચ્ચારણો જુઓ. તેઓ કહે છે કે અમેરિકાને દુનિયામાં કોઇ અટકાવી શકે તેમ નથી. ફક્ત મારી નૈતિકતા જ મને વિશ્વમાં ક્યાંય હુમલા કરતા અટકાવી શકે છે એમ ટ્રમ્પ કહે છે. આમાં તેમનું નર્યું અભિમાન છતું થાય છે. જો આવું જ તેમનું વર્તન રહેશે તો કિમ જોંગ જેવો કોઇ માથાભારે તેમને ભારે પડી જશે. અને દુનિયાના બધા નહીં તો મોટા ભાગના દેશો ભેગા થઇને અમેરિકા પર પ્રતિબંધો લાદે તો અમેરિકા ઘૂંટણિયે આવી શકે છે.