ઉતરાયણે સયાજી હોસ્પિટલ એલર્ટ મોડ પર; ઇમરજન્સી સુવિધા અને દવાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ
વડોદરાવાસીઓ પતંગ ઉત્સવ મનાવશે, જ્યારે સયાજી હોસ્પિટલનો સ્ટાફ ફરજ બજાવશે: ઇમરજન્સી વોર્ડમાં ખાસ તૈયારીઓ

(પ્રતિનિધિ), વડોદરા. તા.13
આવતીકાલે ૧૪ જાન્યુઆરીના રોજ જ્યારે સમગ્ર વડોદરા શહેર મકરસંક્રાંતિ (ઉતરાયણ) ના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરશે, ત્યારે નગરજનોના આરોગ્ય અને કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલ (SSG) સંપૂર્ણપણે સજ્જ છે. હોસ્પિટલના આર.એમ.ઓ. (RMO) ડૉ. હિતેન્દ્ર ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે, તહેવારના દિવસે પણ દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલનો તમામ સ્ટાફ ખડેપગે રહેશે. હોસ્પિટલના તમામ તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર રહેશે. તહેવાર હોવા છતાં, 14 તારીખના રોજ દર્દીઓની સુવિધા માટે OPD બપોર સુધી ચાલુ રાખવામાં આવશે. જ્યારે બીજા દિવસે 15 તારીખના રોજ રાબેતા મુજબ સેવા ચાલુ રહેશે. ઉતરાયણ દરમિયાન દોરીથી કપાવવા અથવા અગાસી પરથી પડી જવા જેવા અકસ્માતોની શક્યતાને જોતા, તાત્કાલિક સારવાર (Emergency Department) વિભાગને એલર્ટ પર રાખવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની કટોકટીને પહોંચી વળવા માટે જરૂરી જીવનરક્ષક દવાઓ અને સર્જિકલ સાધનોનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાયો છે. સયાજી હોસ્પિટલ તંત્ર દ્વારા નગરજનોને સાવચેતીપૂર્વક તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી છે અને ખાતરી આપવામાં આવી છે કે કોઈપણ આકસ્મિક સંજોગોમાં હોસ્પિટલ શ્રેષ્ઠ સારવાર આપવા માટે તૈયાર છે.
વડોદરા ફાયર બ્રિગેડ ની ટીમ પણ પોતાની ફરજ નિભાવવા હાજર રહેશે.