રિવ્યુ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય; 30000 નવા આવાસો, 10000 મકાનોના DPR તૈયાર કરવા અને ગીચ વિસ્તારોમાં પાયલટ પ્રોજેક્ટ માટે સર્વે શરૂ કરવા કમિશનરની સૂચના

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર મંગળવારે યોજાતી સાપ્તાહિક રિવ્યુ બેઠકમાં શહેરના વિકાસલક્ષી કામો, નાગરિકોની સુવિધાઓ અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ અંગે સઘન ચર્ચાઓ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં ખાસ કરીને સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26, ટ્રાફિક વ્યવસ્થાપન અને પર્યાવરણ જાળવણી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26 અંતર્ગત વડોદરાનો ક્રમ સુધારવા માટે અધિકારીઓને કડક સૂચનાઓ અપાઈ હતી. હવેથી શહેરના વોર્ડ અને રોડ વચ્ચે સ્વચ્છતાની હરીફાઈ યોજવામાં આવશે. સેનિટરી ઇન્સ્પેક્ટરોને પોતપોતાના વિસ્તારની વિઝ્યુઅલ ક્લીનલીનેસ જાળવવા તાકીદ કરાઈ છે. આ ઉપરાંત, પીવાના પાણીમાં થતું પ્રદૂષણ અટકાવવા અને રોગચાળો ફેલાતો રોકવા માટે ખાનગી હોસ્પિટલો પાસેથી ડેટા મંગાવી જે-તે વિસ્તારમાં ઝુંબેશ ચલાવવાનું નક્કી કરાયું છે.
શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પાલિકા હવે આધુનિક ટેકનોલોજી તરફ વળી રહી છે. વડોદરામાં જ મેન્યુફેક્ચરિંગ થઈ રહેલી ‘પોડ ટેક્સી’ નો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે સર્વે હાથ ધરાશે. વાઘોડિયા રોડ અને જીએસએફસી જેવા ગીચ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં આ સર્વે કરવામાં આવશે. આ સાથે જ પ્રદૂષણ ઘટાડવા માટે ઇ-વ્હીકલ અને ગ્રીન કોમ્યુનિટી પોલિસી પર પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત શહેરમાં 30000 નવા મકાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેના પ્રથમ તબક્કામાં 10000 મકાનો માટે 12 ડીપીઆર તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. વધુમાં, પાલિકાના 1200થી વધુ ઓપન પ્લોટ્સના રક્ષણ માટે ફેન્સિંગ અને દીવાલ બનાવવાની કામગીરી પણ હાથ ધરાશે.
તાજેતરમાં થયેલા અકસ્માતોને ધ્યાને રાખીને વીએમસીના ડમ્પર અને બસ ડ્રાઈવરો માટે ટ્રાફિક નિયમોના પાલન અંગે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો. ડ્રાઈવરોની બેદરકારી બદલ કોન્ટ્રેક્ટ એજન્સીઓ પર દંડનીય કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. શહેરના મુખ્ય જંકશનો પર ઝીબ્રા ક્રોસિંગ અને થર્મોસેટિક પ્લાસ્ટિક પેન્ટ વડે વિઝિબિલિટી વધારવામાં આવશે.
શહેરના વિકાસ માટે લેવાયેલા આ નિર્ણયોનું કડક અમલીકરણ થાય તે માટે કમિશનર દ્વારા તમામ વિભાગોને તાકીદ કરવામાં આવી છે.
– અન્ય મહત્વના પ્રોજેક્ટ્સ:
*ગ્રીન વડોદરા: ‘મિશન 2 મિલિયન ટ્રીઝ’ અંતર્ગત શહેરમાં વૃક્ષારોપણ વધારવામાં આવશે.
*લેક ડેવલપમેન્ટ: શહેરના અંદાજે 60 જેટલા બિન-નોટિફાઇડ તળાવોને આઇડેન્ટીફાય કરી તેને સાફ કરી લેક ફ્રન્ટ તરીકે ડેવલપ કરાશે.
*હેરિટેજ કન્ઝર્વેશન: માંડવી ગેટ અને લાલકોટ જેવા ઐતિહાસિક સ્થાપત્યોના જાળવણી માટે હેરિટેજ કન્ઝર્વેશન પોલિસી અમલી બનાવાશે.
*સુવિધાઓ: લેડીઝ માટે 50% પિંક ટોયલેટ્સ અને શ્રમિકો માટે ‘લેબર ચોક’ જેવી બેઠક વ્યવસ્થાનું આયોજન છે.