Vadodara

પતંગના માધ્યમથી ‘અંગદાન મહાદાન’નો સંદેશ, સયાજી હોસ્પિટલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ

(પ્રતિનિધિ), વડોદરા. તા.13

વડોદરા શહેરની મધ્યમાં આવેલી એસ.એસ.જી. (સયાજી) હોસ્પિટલ ખાતે આજે સેવા અને જનજાગૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ઉત્તરાયણના પર્વ પૂર્વે, તબીબી અધિક્ષક કચેરી પાસેના પટાંગણમાં નર્સિંગ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ ઈકબાલ કડીવાલા દ્વારા અંગદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંગદાન ક્ષેત્રે પ્રખર યોગદાન આપનાર અને આ ચળવળના પ્રણેતા દિલીપ દેશમુખ (દાદા) ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉપદેશ સમાજમાં અંગદાન પ્રત્યે લોકોને પ્રોત્સાહિત કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ઈકબાલ કડીવાલા અને નર્સિંગ એસોસિયેશનના કમલેશ પરમાર પ્રત્યક્ષ હાજર રહ્યા હતા.

નર્સિંગ એસોસિયેશના લોકલ ગ્રુપના મિત્રોના સહયોગથી, જે પતંગો પર “અંગદાન મહાદાન” ના જનજાગૃતિના સંદેશા લખવામાં આવ્યા હતા, તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પતંગો આકાશમાં ઊંચે જઈને લોકો સુધી અંગદાનનો પવિત્ર સંદેશ પહોંચાડે તેવો નવતર પ્રયોગ અહીં કરવામાં આવ્યો હતો. એક વ્યક્તિનું અંગદાન અનેક લોકોના જીવન બચાવી શકે છે. પતંગના તહેવાર નિમિત્તે અમે આ માધ્યમ પસંદ કર્યું છે જેથી યુવા પેઢી અને સામાન્ય જનતામાં આ વિષય પ્રત્યે ગંભીરતા અને જાગૃતિ આવે.” આ આયોજનમાં હોસ્પિટલના સ્ટાફ અને નર્સિંગ એસોસિયેશનના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત લોકોએ પણ આ પ્રવૃત્તિને બિરદાવી હતી અને અંગદાન કરવા માટેના સંકલ્પ લીધા હતા.

આ જનજાગૃતિ કાર્યક્રમમાં વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોષી અને સંસ્થાના વડા ડીન અને મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો રંજન ઐયરની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Most Popular

To Top