Dahod

પ્રજાના રક્ષક જ ભક્ષક, ખાખીને લજવતી ઘટના, દાહોદમાં પોલીસ બની બુટલેગર

ચાકલિયા પોલીસ–LCBની સંયુક્ત કાર્યવાહીમાં મોટો ખુલાસો, વિદેશી દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મીઓની સંડોવણી બહાર આવી

દાહોદ તા 13

દાહોદ જિલ્લામાં પોલીસ બેડાને શરમમાં મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. ચાકલિયા પોલીસ સ્ટેશન તથા LCB પોલીસની સંયુક્ત કામગીરી દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મીઓની સંડોવણી બહાર આવતા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.

ચાકલિયા પોલીસ સ્ટેશનના ત્રણ કોન્સ્ટેબલ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી.
મારુતિ અલ્ટો કાર દ્વારા પાઇલોટિંગ કરવામાં આવી રહી હતી, જ્યારે રાજસ્થાન તરફથી ટાટા પંચ કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હતી. પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરી લીમડી નજીક તળાવા ચોકડી પાસે વાહન અટકાવી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. 66,000/- કિંમતનો વિદેશી દારૂ ઝડપી લેવાયો હતો, જ્યારે કુલ મળીને રૂ. 5.66 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં ચાકલિયા પોલીસના કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા, મોહન તાવિયાડ તથા પ્રકાશ હઠીલાની સંડોવણી સામે આવી છે.
ઘટનાના ખુલાસા બાદ ત્રણેય પોલીસકર્મીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે અને પોલીસ વિભાગમાં શિસ્તભંગ અંગે કડક પગલાં લેવામાં આવશે તેવું સંકેત આપવામાં આવ્યું છે.
આ ઘટનાથી દાહોદ જિલ્લામાં પોલીસની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભા થયા છે અને લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top