Vadodara

સાવલીમાં સ્વામી વિવેકાનંદની 163મી જન્મજયંતિ નિમિત્તે “જુનિયર સાયન્ટિસ્ટ એક્સ્પો–2026”નું આયોજન


ગંગોત્રી વિદ્યાલય ખાતે વિજ્ઞાન, જ્ઞાન અને સંસ્કૃતિનો સુંદર સંગમ
વડોદરા::
આજરોજ સાવલી ખાતે ભીમનાથ મહાદેવના પ્રાંગણમાં સ્થિત ગંગોત્રી વિદ્યાલય દ્વારા સ્વામી વિવેકાનંદની 163મી જન્મજયંતિ નિમિત્તે “જુનિયર સાયન્ટિસ્ટ એક્સ્પો–2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય યુવા ભાગવત કથાકાર નયનભાઈ શાસ્ત્રી, વીર નર્મદ યુનિવર્સિટીના માજી વાઇસ ચાન્સેલર ડૉ. આર.જી. કોઠારી, શિક્ષણવિદ દિનેશભાઈ બારોટ, સામાજિક કાર્યકર કીર્તિભાઈ પરિખ, શૈલેન્દ્રસિંહ ઠાકોર તથા રાધે ફાઉન્ડેશનના જયેશભાઈ ચોકસીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આચાર્ય પંકજભાઈ ત્રિવેદીએ કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ પ્રસંગે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહેમાનોના પ્રેરક વક્તવ્યોથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

નયનભાઈ શાસ્ત્રીએ આશીર્વચન સહ પ્રેરક વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને જીવનમાં મૂલ્યો અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું. ડૉ. આર.જી. કોઠારીએ વિજ્ઞાન, જ્ઞાન અને અવલોકન વૃત્તિ અંગે સુંદર દ્રષ્ટાંતો સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સામાજિક કાર્યકર કીર્તિભાઈ પરિખે સ્વામી વિવેકાનંદના વિચારો તથા પુસ્તક વાંચનની ટેવ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત સૌને ચકિત કરી દીધા હતા. અંતે આયોજક ટ્રસ્ટીઓ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, વક્તાઓ અને હાજર જનસમૂહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top