હાલોલમાં પરિણીતાની હત્યાનો ચોંકાવનારો ખુલાસો
હાલોલ:
હાલોલ તાલુકામાં એક પરિણીતાનું અગમ્ય કારણોસર થયેલું મોત આખરે હત્યા હોવાનું બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ છે. શરૂઆતમાં અકસ્માત મોત તરીકે નોંધાયેલા આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે તપાસનો દોર આગળ વધારતા હત્યાનો ભેદ ખુલ્યો હતો. આ કેસમાં પરિણીતાનો પતિ જ હત્યારો હોવાનું સામે આવતા હાલોલ શહેર પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પીએમ રિપોર્ટથી બદલાઈ તપાસની દિશા
ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું તબીબી રિપોર્ટમાં સ્પષ્ટ
મળતી વિગત મુજબ, મૂળ હાલોલ તાલુકાના કંજરી ગામના અને હાલ ચંદ્રપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતા હર્ષદભાઈ અજીતભાઈ પરમારની પત્ની શિલ્પાનું 7 જાન્યુઆરીના રોજ અચાનક મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં હાલોલ શહેર પોલીસ દ્વારા પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પીએમ રિપોર્ટમાં શિલ્પાનું મોત ગળું દબાવી ટૂંપો આપવાથી થયું હોવાનું સ્પષ્ટ થતાં સમગ્ર કેસની દિશા બદલાઈ ગઈ હતી.

પ્રેમલગ્ન બાદ વધતા ઘરેલુ ઝઘડાએ બે સંતાનની માતાનો જીવ લીધો, આરોપી પતિની કબૂલાત
પોલીસ તપાસમાં ખુલ્યું કે હર્ષદભાઈ પરમારે સન 2016માં કંજરી ગામની શિલ્પા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ દંપતિ ચંદ્રપુરા જીઆઈડીસીમાં કંપની દ્વારા આપવામાં આવેલા રૂમમાં પરિવાર સાથે રહેતું હતું. લગ્નજીવન દરમિયાન તેમને બે સંતાન પણ હતા.છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે ઘરેલું બાબતોને લઈને અવારનવાર ઝઘડા થતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પીએમ રિપોર્ટ બાદ પોલીસે આરોપી પતિ હર્ષદભાઈની કડક પૂછપરછ કરી હતી, જેમાં તેણે શિલ્પાની હત્યા પોતે જ કરી હોવાનું કબૂલ્યું હતું.
આરોપીની ધરપકડ, વધુ તપાસ શરૂ
પારિવારિક હત્યાનો કેસ, બાળકોના ભવિષ્ય અંગે ચિંતા
આરોપીની કબૂલાત બાદ હાલોલ શહેર પોલીસે હર્ષદભાઈ પરમારની ધરપકડ કરી તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલુ છે. પરિણીતાની કરુણ મોત અને બે નાનાં સંતાનોના ભવિષ્યને લઈને સમગ્ર વિસ્તારમાં શોક અને ચર્ચાનો માહોલ સર્જાયો છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ