શહેરના ભંભાણી પરિવારે 10 મનોદિવ્યાંગ બાળકોની આજીવન જવાબદારી સ્વિકારી
મનોદિવ્યાંગ બાળકોની સેવા કરવા માટે સમાજના પ્રત્યેક લોકોએ આગળ આવવાની આવશ્યકતા
પ્રતિનિધિ
સેવા પરમો ધર્મની ઉક્તિને જીવતા શહેરના વારસીયા વિસ્તારમાં રહેતા ભંભાણી પરિવારે આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના 10 મનોદિવ્યાંગ બાળકોની આજીવન જવાબદારી સ્વિકારવાનો નિર્ણય લેતા બાળકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.



જે વિશે માહિતી આપતા હરગુન ભંભાણી અને તેમના ધર્મપત્નિ સપના ભંભાણીએ જણાવ્યું હતું કે, મનોદિવ્યાંગ બાળકોનો સર્વાંગીક વિકાસ માટે કાર્ય કરતા આસ્થા ફાઉન્ડેશન સાથે જોડાઈને અમને આનંદની લાગણીનો અનુભવ થાય છે. હાલમાં અમારા પરિવારમાં 4 બાળકો છે પરંતુ રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શનમાં ચાલતી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના 10 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વીકારતા અમારો પરિવાર હવે 14 બાળકોનો થઈ ગયો છે. અમારું માનવું છે કે, પ્રત્યેક વ્યક્તિએ તેમની કમાણીનો ચોક્કસ ભાગ સેવાકાર્યમાં અર્પણ કરવો જોઈએ અને જો આપણને પૃથ્વી પરના દેવ સમાન મનોદિવ્યાંગ બાળકોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય તો તેના કરતા ઉત્તમ કોઈ સેવા કે પુણ્યનું કાર્ય ના હોઈ શકે. હાલના યુવાનોએ માનવતાના મૂલ્યોને સમજીને ખાસ પ્રકારના બાળકો સાથે સમય વિતાવવો જોઈએ અને તેમને પડતી સમસ્યાઓનું સમાધાન કેવી રીતે લાવી શકીએ તે દિશામાં સતત પ્રયાસ કરવા જોઈએ. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૦ થી આસ્થા ફાઉન્ડેશન ૨૦ તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા ૧૧૦ જેટલા મનોદિવ્યાંગ બાળકોની સાર સંભાળ લઈ રહ્યું છે.