ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ વર્ષ 2026ના પોતાના પ્રથમ મિશન તરીકે સોમવારે સવારે 10:18 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન અવકાશ કેન્દ્રથી PSLV-C62 રોકેટ દ્વારા અન્વેષા ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કર્યું છે. આ PSLVની કુલ 64મી ઉડાન હતી. જેને ISROની વાણિજ્યિક શાખા ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા સંચાલિત કરવામાં આવી.
આ મિશન અંતર્ગત કુલ 15 ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં આવ્યા છે. જેમાંથી મુખ્ય પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-N1 છે. જેને પૃથ્વીથી લગભગ 600 કિલોમીટર ઊંચાઈએ સૂર્ય-સમન્વય ધ્રુવીય ભ્રમણકક્ષા (SSO)માં સ્થાપિત કરવામાં આવશે. આ 15 ઉપગ્રહોમાં 7 ભારતીય અને 8 વિદેશી ઉપગ્રહોનો સમાવેશ થાય છે.
અન્વેષા ઉપગ્રહ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવ્યો છે. તે એક અદ્યતન જાસૂસી ઉપગ્રહ છે. જેમાં હાઇપરસ્પેક્ટ્રલ રિમોટ સેન્સિંગ (HRS) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી દ્વારા ઉપગ્રહ ઝાડીઓ, જંગલો, બંકરો અથવા પાણીની નીચે છુપાયેલા દુશ્મન સૈનિકો અને શસ્ત્રોની પણ ચોક્કસ છબીઓ કૅપ્ચર કરવામાં સક્ષમ છે.
HRS ટેકનોલોજી પ્રકાશના સેંકડો સૂક્ષ્મ શેડ્સને ઓળખી શકે છે. જેના આધારે માટીનો પ્રકાર, વનસ્પતિ, માનવ પ્રવૃત્તિ અથવા સૈન્ય ગતિવિધિઓ પણ ઓળખી શકાય છે. આ માહિતી સૈન્ય માટે અત્યંત ઉપયોગી છે. કારણ કે તે ટેન્ક પસાર થઈ શકે તેવા માર્ગો નક્કી કરવામાં અને યુદ્ધ દરમિયાન 3D સિમ્યુલેશન તૈયાર કરવામાં મદદ કરે છે.
આ મિશનમાં હૈદરાબાદ સ્થિત ખાનગી કંપની ધ્રુવ સ્પેસના 7 ઉપગ્રહો પણ સામેલ છે. જ્યારે વિદેશી ઉપગ્રહો ફ્રાન્સ, નેપાળ, બ્રાઝિલ અને યુકેના છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીય ખાનગી કંપનીએ PSLV મિશનમાં આટલો મોટો ભાગ ભજવ્યો છે. જે ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે.
ઉલ્લેખનીય છે કે અન્વેષા ભારતના 2018માં લોન્ચ કરાયેલા HySIS ઉપગ્રહનું અપગ્રેડેડ વર્ઝન છે. HySIS 55 સ્પેક્ટ્રલ બેન્ડ સુધી મર્યાદિત હતો. જ્યારે અન્વેષામાં વધુ અદ્યતન હાઇપરસ્પેક્ટ્રલ ક્ષમતાઓ છે.