અમદાવાદ : અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી 10 કરોડની માંગણી કરતા એક મહિલા સહિત બે આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ગુજરાત પ્રદેશના ઉપ પ્રમુખ તથા સત્યા ટાઇમ્સ ડેઈલી ન્યુઝ પેપરના તંત્રી અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણની તથા સુનીતા ઉર્ફે એની રાજપુતની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં મહિલા સુનિતા ઉર્ફે એની રાજપુતએ ફરિયાદી વેપારીને હની ટ્રેપમાં ફસાવીને અંગત પળોનો ન્યુડ વિડિયો તેની જાણ બહાર ઉતારી લઈને સત્યા ટાઇમ્સ દૈનિક ન્યુઝ પેપરના તંત્રી અશ્વિન ચૌહાણ સાથે મુલાકાત કરી આ વિડીયો આપીને બંનેએ ભેગા મળી ફરિયાદી વેપારીને ડરાવી ધમકાવી વિડિયો સોશિયલ મીડિયામાં તેમજ ન્યુઝ પેપરમાં છાપી વાઇરલ કરી દેવાની ધમકી આપી 10 કરોડની માંગણી કરી હતી, ત્યારબાદ પતાવટ કરવા 24 કલાકમાં 7 કરોડ આપવામાં ન આવે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
દરમિયાનમાં વેપારીએ આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ ઉં.વ.39, રહે ક્રિષ્નાકુટીર શાહપુર દરવાજા. અમદાવાદ અને સુનીતા ઉર્ફે એની રાજપુતની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.