અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વેનેઝુએલાની જેમ ઈરાન પર પણ હુમલો કરવાની વાત કરી જ હતી, પરંતુ ટ્રમ્પ હુમલો કરે તે પહેલા જ ઈરાનમાં મોટાપાયે ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાનમાં મોંઘવારીના વિરોધમાં 100 શહેરોમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. પોલીસકર્મી સહિત 45નાં મોત થઈ ગયા છે. ઈરાને આપેલી ધમકી બાદ એરપોર્ટ, ઈન્ટરનેટ અને ફોન સેવા ઈરાનમાં બંધ થઈ ગઈ જ છે. છેલ્લા 13 દિવસથી આ ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે.
પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લોક કર્યા, આગ લગાડી. લોકોએ ‘ખામેનેઈને મોત’ અને ‘ઇસ્લામિક રિપબ્લિકનો અંત થયો’ જેવા નારા લગાવ્યા. કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીના સમર્થનમાં રહ્યા. તેઓ ‘આ છેલ્લી લડાઈ છે, શાહ પહેલવી પાછા ફરશે’ના નારા લગાવી રહ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની લોકોનું સમર્થન કરતા કહ્યું કે જો તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમે છોડીશું નહીં. ટ્રમ્પની ધમકીને પગલે સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે.
ઈરાનમાં થઈ રહેલા ગૃહયુદ્ધમાં મોંઘવારી અને બેરોજગારી ઘટાડવામાં સરકાર નિષ્ફળ રહી હોવાના કારણો જવાબદાર છે. ડિસેમ્બર 2025માં ઈરાની મુદ્રા રિયાલ ઘટીને લગભગ 1.45 મિલિયન પ્રતિ અમેરિકી ડોલર સુધી પહોંચી ગઈ, જે અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે.મોંઘવારીને કાબુમાં લેવા માટે અને મદદ કરવા માટે અગાઉ વચનો અપાયા હતા પરંતુ એક વર્ષ પછી પણ મોંઘવારી કે બેરોજગારી ઘટી નથી અને તેને કારણે ઈરાનના GenZ આક્રોશમાં છે. લોકો ઈસ્લામિક રિપબ્લિકને સુધારવાનું નહીં પરંતુ તેને ખતમ કરવાના નારા લગાડી રહ્યા છે. લોકો ડર્યા વગર પ્રદર્શન કરી રહ્યા છે અને તેને કારણે સ્થિતિ અઘરી બની રહી છે. નિષ્ણાતો કહે છે કે સરકાર પાસે હવે માત્ર તાકાતનો ઉપયોગ કરવાનો રસ્તો બચ્યો છે, કારણ કે લોકો સુધારા અને વચનો પર વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે.
ઈરાનમાં મોંઘવારી હાવી થઈ જવા પામી છે. વર્ષની શરૂઆતમાં જ રિયાલની કિંમત અડધી થઈ ગઈ હતી. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં 72% અને દવાઓની કિંમતોમાં 50% સુધીનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત સરકાર દ્વારા 2026ના બજેટમાં 62% ટેક્સ વધારવાના પ્રસ્તાવથી સામાન્ય લોકોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે. આ કારણે જ ઈરાનમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ સડકો પર ઉતરી આવી ઈરાનનો રાષ્ટ્રધ્વજ પણ ફાડી નાખ્યો છે. રસ્તા જામ કરી દીધી છે. વૃદ્ધ મહિલાઓ પણ શાસનને પડકારી રહી છે. વિરોધ પ્રદર્શનો દરમિયાન તેહરાન અને ઈરાનના અન્ય ઘણા ભાગોમાં ડિજિટલ બ્લેકઆઉટ થયું અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઠપ થઈ ગઈ છે.
દેશનિકાલ કરાયેલા રાજકુમાર રેઝા પહેલવીએ લોકોને રસ્તાઓ પર ઉતરવા અપીલ કરી હોવાથી મામલો બગડી ગયો છે. તેહરાનમાં બજારો બંધ રહ્યા, વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસ પર કબજો કર્યો. આના તરત જ પછી સરકારે સમગ્ર દેશમાં ઇન્ટરનેટ અને ફોન લાઇન કાપી નાખી, જેને ઇન્ટરનેટ વોચડોગ નેટબ્લોક્સે હિંસક દમનની તૈયારી ગણાવી. તેમ છતાં કેટલાક લોકો સ્ટારલિંક જેવી પદ્ધતિઓથી વીડિયો પોસ્ટ કરી રહ્યા છે.
ઈરાનમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેની સત્તામાં આવ્યા. તેઓ 1979 થી 1989 સુધી 10 વર્ષ સુપ્રીમ લીડર રહ્યા હતા. તેમના પછી સુપ્રીમ લીડર બન્યા આયાતુલ્લા અલી ખામેનેઈ 1989 થી અત્યાર સુધી 37 વર્ષથી સત્તામાં છે. પરંતુ હવે તેમની સામે બળવો થઈ રહ્યો છે અને ક્રાઉન પ્રિન્સને સત્તા સોંપવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે, બીજી તરફ એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, ઈરાનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનની પાછળ અમેરિકા છે. જોકે, ઈરાનમાં જે રીતે બંધનો લગાડવામાં આવ્યા હતા તે બંધનો હવે ગૃહયુદ્ધને કારણે સરકાર બદલાઈ તો દૂર થઈ શકે તેમ છે. આગામી દિવસોમાં ઈરાની સરકાર પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કરે તેવી સંભાવના છે. આ બળ પ્રયોગ હવે ઈરાનને ખામેનેઈના શાસનથી મુક્ત કરાવે છે કે પછી સત્તા પ્રદર્શનકારીઓ પર હાવી થાય છે તે જોવું રહ્યું!