VC પ્રો. ભણગેનો સપાટો: લોબિંગ કરનારાઓ ફાવ્યા નહીં, સિનિયોરિટીના આધારે વરણી કરી પારદર્શિતાનો સંકેત આપ્યો
વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશોએ વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યુનિવર્સિટીની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીથી નિયમિત વિભાગીય વડા ની નિમણૂક કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લાંબા સમય બાદ ફેકલ્ટીના તમામ પાંચેય વિભાગોમાં કાયમી હેડની નિમણૂક કરવામાં આવતા શૈક્ષણિક આલમમાં ગરમાવો જોવા મળ્યો છે.
યુનિવર્સિટીના વર્તમાન વાઈસ ચાન્સેલર પ્રો. ભણગેએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે નિમણૂકોમાં કોઈપણ પ્રકારનું રાજકીય કે અંગત લોબિંગ ચલાવી લેવામાં આવશે નહીં. અગાઉના વાઈસ ચાન્સેલર ડો. શ્રીવાસ્તવના કાર્યકાળમાં મળતિયાઓને હંગામી ધોરણે હેડ બનાવવાની જે નીતિ ચાલતી હતી, તેનાથી વિપરીત પ્રો. ભણગેએ કેવળ સિનિયોરિટી ને જ આધાર બનાવીને આ નિમણૂકો કરી છે.
યુનિવર્સિટીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કુલ 98 વિભાગોમાંથી અંદાજે 85 ટકા વિભાગોમાં અત્યાર સુધી નિયમિત હેડ નહોતા, જેના કારણે વહીવટી અને શૈક્ષણિક નિર્ણયો લેવામાં વિલંબ થતો હતો. આ પરિસ્થિતિને જોતા વાઈસ ચાન્સેલરે આગામી એપ્રિલ મહિના સુધીમાં તબક્કાવાર રીતે તમામ વિભાગોમાં નિયમિત હેડની નિમણૂક પૂર્ણ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.
સિનિયર અધ્યાપકોની આ નિમણૂકથી ફેકલ્ટીના આંતરિક રાજકારણ અને જૂથવાદ પર લગામ આવશે તેવી પણ ચર્ચાઓ યુનિવર્સિટી કેમ્પસમાં વહેતી થઈ છે.
:- કોમર્સ ફેકલ્ટીના નવા વિભાગીય વડાઓની યાદી…
1.કો-ઓપરેટિવ એન્ડ રુરલ મેનેજમેન્ટ- પ્રો. જે.કે. પંડ્યા (ફેકલ્ટી ડીન)
2.કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ- ડો. શામલ પ્રધાન
3.એકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સિઅલ મેનેજમેન્ટ- પ્રો. પ્રજ્ઞેશ શાહ
4.બિઝનેસ ઈકોનોમિક્સ- પ્રો. શન્મુગમ
5.બેન્કિંગ એન્ડ ઈન્સ્યોરન્સ- સોફિયા દેવી