ગાંધીનગર : જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી અને સ્થાનિક સ્તરે જમીની હકીકતોને સીધી રીતે સમજવા માટે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ દ્વારા “One Day-One District”: એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
આ પહેલ અંતર્ગત ગઈકાલે ૦૭/૦૧/૨૦૨૬ના રોજ ડાંગ–આહવા જિલ્લાના પોલીસ અધિક્ષક સાથે એક બેઠક યોજવામાં આવી, જેમાં જિલ્લાના વિશિષ્ટ મુદ્દાઓ, જરૂરિયાતો તથા શ્રેષ્ઠ પ્રથાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ઘણી વાહન તથા IT ઇન્ફ્રાસ્ટ્રકચર સંલગ્ન જરૂરિયાતોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ બેઠકો દરમિયાન જિલ્લાના ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ વિશેષ વાહનોની જરૂરિયાત, પોલીસ કર્મચારીઓ માટે રહેણાંક તથા બિન રહેણાંક માળખા સંબંધિત પડકારો, માનવ સંસાધનની પૂરતી ઉપલબ્ધતા, પોલીસ સ્ટેશન/આઉટપોસ્ટ/બીટની રચનામાં ફેરફારની જરૂરિયાત તેમજ અન્ય ખાસ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવે છે.
આ ઉપરાંત દરેક જિલ્લામાં અમલમાં મૂકાયેલી એક બેસ્ટ પ્રેકટીસ અંગે ચર્ચા કરવામાં આવશે, જેને રાજ્યભરમાં અમલમાં મૂકી શકાય તેની શક્યતા પણ પરખવામાં આવશે. જિલ્લાઓની પરિસ્થિતિ અને જરૂરિયાતોનું મૂલ્યાંકન કર્યા બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા પોલીસ મુખ્યાલયની સંબંધિત શાખાઓને જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવશે, જેથી સમયસર સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. જ્યાં નીતિગત અથવા વહીવટી મંજૂરી જરૂરી હોય ત્યાં યોગ્ય પ્રસ્તાવો ગૃહ વિભાગને પણ મોકલવામાં આવશે.