રાજકોટ : બગદાણાના નવનીતભાઈ બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં હવે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ન્યાયની માંગ સાથે સુરતથી કોળી સમાજનો મોટો કાફલો ભાવનગર પહોંચતા મામલો ગરમાયો છે. બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે.
આ ઘટનાના વિરોધમાં સુરતનો કોળી સમાજ મેદાને આવ્યો છે. આજે સુરતથી 100 જેટલી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના અગ્રણીઓ ભાવનગરની નારી ચોકડી ખાતે આવી પહોંચ્યા હતા. નારી ચોકડી ખાતે કોળી સમાજના યુવા અગ્રણી ચિરાગ ઝાલા, પિન્ટુ કોળી, શૈલેષભાઇ મેર અને સાધુ-સંતોમાં ઋષિ ભારતી બાપુની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા હતા. અહીંથી આ કાફલો સીધો મહુવા હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો, જ્યાં સારવાર લઈ રહેલા પીડિત નવનીતભાઈની મુલાકાત લીધી હતી અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. નવનીતભાઈ બાલધિયા કેસની ગંભીરતાને જોતા પોલીસ વિભાગ દ્વારા SITની રચના કરવામાં આવી છે. SIT દ્વારા હાલ તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે, પરંતુ કોળી સમાજ આ તપાસથી સંતુષ્ટ નથી. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે, હજુ સુધી મુખ્ય સૂત્રધારનું નામ પોલીસ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યું નથી. જ્યાં સુધી મુખ્ય આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી અપાઈ છે.
ઋષિભારતી બાપુના સરકારની કામગીરી પર આકરા પ્રહારો
આ પ્રસંગે ઋષિભારતી બાપુએ સરકારની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નામ લીધા વગર નિશાન સાધતા જણાવ્યું હતું કે, સમાજને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જો ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થશે તો આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. હાલ મહુવા અને આસપાસના વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોળી સમાજની આ એકતાને પગલે તંત્ર પર દબાણ વધી રહ્યું છે.