‘લેન્ડ ફોર જોબ્સ’ કૌભાંડ મામલે આરજેડી વડા અને ભૂતપૂર્વ કેન્દ્રીય રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. કોર્ટે આ કેસમાં લાલુ યાદવ સહિત તેમના સમગ્ર પરિવાર સામે આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી બિહારની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે.
કોર્ટના આદેશ મુજબ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, પુત્રી મીસા ભારતી ઉપરાંત પુત્ર તેજ પ્રતાપ યાદવ, ઉપમુખમંત્રી તેજસ્વી યાદવ અને પુત્રી હેમા યાદવ સામે આરોપો ઘડવામાં આવ્યા છે. જોકે આ કેસમાં કુલ 98 આરોપીઓમાંથી 52 લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
‘લેન્ડ ફોર જોબ્સ’ કૌભાંડ શું છે?
આ કૌભાંડ વર્ષ 2004થી 2009 દરમિયાન કથિત રીતે થયું હતું. જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલ્વે મંત્રી હતા. આરોપ છે કે રેલ્વેમાં ગ્રુપ ‘ડી’ની નોકરીઓ આપવાના બદલામાં ઉમેદવારો પાસેથી ઓછા ભાવે અથવા ભેટ સ્વરૂપે જમીનો લાલુ યાદવ અને તેમના પરિવારના નામે ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. આ મામલો ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ સાથે જોડાયેલો છે.
સજાની સંભાવનાઓ શું છે?
કાનૂની નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 8, 9, 11, 12 અને 13 લાગુ પડે છે. જેમાં દરેક કલમ હેઠળ 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. ઉપરાંત IPCની કલમ 467, 468 અને 471 પણ લાગુ પડે છે. જો કોર્ટ તમામ સજાઓ એકસાથે ચલાવવાનો આદેશ આપે તો મહત્તમ 10 વર્ષ સુધીની જેલ સજા થઈ શકે છે.
હવે આગળ શું?
આરોપો ઘડાયા બાદ કેસની નિયમિત સુનાવણી શરૂ થશે. હવે કોર્ટના આગામી પગલાં પર સમગ્ર દેશની રાજકીય અને કાનૂની નજર ટકી છે.