વિદેશી દારૂના ક્વાટરીયા સાથે બે શખ્સો છાણી બ્રિજ પાસેથી ઝડપાયા
વડોદરા, તા. 9
વડોદરા શહેરમાં બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. છાણી બ્રિજ ઉતરતા ફર્ટિલાઇઝર ગેટ પાસે છાણી પોલીસે બાઈક પર વિદેશી દારૂ લઈ જતાં બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન બુટલેગરનો દારૂ છુપાવવાનો અનોખો કીમિયો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાઈકની પેટ્રોલ ટાંકીમાં ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂના ક્વાટરીયા સંતાડવામાં આવ્યા હતા.
8 જાન્યુઆરીના રોજ છાણી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક બાઈક પર બે શખ્સો દારૂની હેરાફેરી કરી રહ્યા છે અને બાઈકની પેટ્રોલ ટાંકીમાં ચોરખાનું બનાવેલું છે. બાતમીના આધારે પોલીસે છાણી બ્રિજ ઉતરતા ફર્ટિલાઇઝર ગેટ પાસે વોચ ગોઠવી હતી.
બાતમી મુજબની બાઈક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી. બાઈકની પેટ્રોલ ટાંકી ખોલતા અંદરથી વિદેશી દારૂના કુલ 144 ક્વાટરીયા મળી આવ્યા હતા.
પોલીસે બાઈક ચાલક પરેશ નગીન રાઠવા (રહે. પટેલ ફળીયુ, પંડરવાગામ, તા. જેતપુર પાવી, જી. છોટાઉદેપુર) અને પાછળ બેઠેલા રણજીત ભરત રાઠવા (રહે. પટેલ ફળીયુ, સજુલીગામ, તા. જેતપુર પાવી, જી. છોટાઉદેપુર)ની ધરપકડ કરી છે.
પોલીસે તેમની પાસેથી વિદેશી દારૂ રૂ. 24 હજાર, બે મોબાઇલ રૂ. 10 હજાર તથા બાઈક રૂ. 30 હજાર મળી કુલ રૂ. 64 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.