Kalol

કાલોલ પોલીસ સાથે બબાલ કરનાર આરોપીના રેગ્યુલર જામીન ફગાવાયા

કોર્પોરેટર સહિત ચાર મહિલાઓ હજુ ફરાર
કાલોલ:
મંગળવારે કાલોલ કોર્ટ પાસે તથા ત્યારબાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે થયેલી બોલાચાલી અને ઝપાઝપીના મામલે મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે. મહિલા કોર્પોરેટર જ્યોત્સનાબેન બેલદાર અને તેમના પરિવારજનો દ્વારા પીઆઈ આર.ડી. ભરવાડ તથા પોલીસ સ્ટાફ સાથે થયેલી બબાલ દરમિયાન મહિલા કોન્સ્ટેબલના હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું તેમજ બે મહિલા કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચી હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ આરોપી પ્રતીક સુરેન્દ્રભાઈ જોશીની અટકાયત કરવામાં આવી હતી.
આ પહેલા કાલોલ પોલીસે પ્રતીક જોષીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ત્યારબાદ તેને કાલોલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં આરોપી તરફથી તેના વકીલ દ્વારા રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર બંને પક્ષોની દલીલો બાદ ગુરુવારે સવારે કાલોલ કોર્ટના સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ એફ.બી. પઠાણે જામીન અરજી ફગાવી દીધી હતી.
આ તરફ, આ ઘટનામાં સંડોવાયેલી મહિલા કોર્પોરેટર જ્યોત્સનાબેન બેલદાર સહિત ચાર મહિલાઓ હજુ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. કાલોલ પોલીસે ફરાર આરોપી મહિલાઓની ધરપકડના ભાગરૂપે તેમના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી, પરંતુ તેઓ ત્યાં મળી ન આવતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. હાલ પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ ઝડપી બનાવી છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top