Bodeli

ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી પાસ વિના ડોલોમાઈટ ભરેલી બે ગાડીઓ ઝડપાઈ

30 દિવસ બાદ છોડવાના નિયમ’ હેઠળ ગાડીઓ છોડાશે કે કેમ? અનેક સવાલો ઉભા
(પ્રતિનિધિ) બોડેલી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીક આવેલી ખાણખનીજ વિભાગની ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી પાસ વિના ડોલોમાઈટ પાવડર ભરેલી બે ગાડીઓને ઝડપી લેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર ખનિજ માફિયાની ચર્ચા તેજ બની છે. પકડાયેલી ગાડીઓના નંબર GJ-18 BW 5258 અને GJ-17 XX 4440 હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન રોયલ્ટી પાસ રજૂ ન કરી શકાતા ખાણખનીજ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી બંને ગાડીઓને ધામસિયા ચેકપોસ્ટ ખાતે સીઝ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ટૂંક સમય અગાઉ પણ આ જ ચેકપોસ્ટ પરથી રોયલ્ટી વિનાની ડોલોમાઈટ ભરેલી બે ગાડીઓ ઝડપાઈ હતી. તે સમયે સરકાર દ્વારા ગેરકાયદેસર ખનિજ વહન કરતાં વાહનોને 30 દિવસ બાદ છોડવાના નવા નિયમની ચર્ચા થઈ હતી. આ નિયમના કારણે તાત્કાલિક ઓનલાઇન દંડની કાર્યવાહી શક્ય ન બનતાં વાહનો સીઝ કરવાના બન્યા હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

પરંતુ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જ્યારે હાલ ડોલોમાઈટ માઇન્સના રોયલ્ટી પાસ ખાણખનીજ વિભાગ દ્વારા લોક કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે, ત્યારે રોજબરોજ મોટી સંખ્યામાં ડોલોમાઈટ પાવડરની ગાડીઓ ક્યાંથી અને કયા આધારે પસાર થાય છે? લોકચર્ચા મુજબ કેટલાક વેપારીઓ મધ્યપ્રદેશના GST બિલોના આધારે છોટાઉદેપુરમાંથી પાવડર ભરી ગાડીઓ પસાર કરે છે. સાથે જ, રોયલ્ટી પાસ વેચાણ અને એજન્ટો દ્વારા ગાડીઓ ‘સેટિંગ’થી પસાર કરાવવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
જો આ દિશામાં ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ખનિજ વિભાગની કામગીરી, નિયમોની અમલવારી અને સંભવિત ગેરરીતિઓ અંગે અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટર: ઝહીર સૈયદ, બોડેલી

Most Popular

To Top