Sports

સરફરાઝ ખાને 15 બોલમાં ફિફ્ટી ફટકારી, તોડ્યો આ રેકોર્ડ

ભારતના યુવા બેટ્સમેન સરફરાઝ ખાન હાલ શાનદાર ફોર્મમાં છે અને તેણે પોતાના બેટથી ફરી એકવાર ક્રિકેટ જગતમાં ધમાકો કર્યો છે. ટેસ્ટ બેટ્સમેન તરીકે ઓળખાતો સરફરાઝ હવે વનડે અને લિસ્ટ-એ ક્રિકેટમાં પણ ટી20 જેવી આક્રમક બેટિંગ કરી રહ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં પંજાબ સામે મુંબઈ તરફથી રમતા સરફરાઝ ખાને માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારીને નવો ઇતિહાસ રચ્યો છે.

સરફરાઝ ખાનની આ 50 રનની ઇનિંગ્સ ભારતની સૌથી ઝડપી લિસ્ટ-એ અડધી સદી બની છે. આ સાથે તેણે 31 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અગાઉ આ રેકોર્ડ 1995માં મહારાષ્ટ્રના અભિજીત કાલેના નામે હતો. જેમણે બરોડા સામે 16 બોલમાં અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ 2021માં બરોડાના અતિત સેઠે છત્તીસગઢ સામે 16 બોલમાં 50 રન બનાવ્યા હતા. હવે સરફરાઝ ખાને માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી બંને બેટ્સમેનને પાછળ છોડી દીધા છે.

વિજય હજારે ટ્રોફીમાં સરફરાઝ ખાન સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં તેણે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેય મેચમાં 50થી વધુ રન બનાવ્યા છે. પ્રથમ મેચમાં તેણે 49 બોલમાં 55 રન બનાવ્યા હતા. જ્યારે બીજી મેચમાં તેણે 75 બોલમાં 157 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી.

આ પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સરફરાઝ ખાને શાનદાર બેટિંગ કરી હતી અને તેની ફોર્મ આજે પણ યથાવત છે. સ્થાનિક ક્રિકેટમાં સરફરાઝને એક મોટા સ્ટાર તરીકે જોવામાં આવે છે. તેને ભારતીય ટીમ માટે રમવાની તક પણ મળી હતી પરંતુ તે ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરી શક્યો નહોતો.

હાલ સરફરાઝ ભારતીય ટીમનો ભાગ નથી પરંતુ તે IPLમાં ફરી એકવાર નજરે પડશે. ગયા વર્ષની IPL હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ સરફરાઝ ખાનને માત્ર 75 લાખમાં ખરીદ્યો હતો. હવે ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સરફરાઝ આ IPL સીઝનમાં પોતાના બેટથી શું કમાલ કરી શકે છે.

Most Popular

To Top