“ફાઈલો નહીં, પરિણામ જોઈએ” – વડોદરા જિલ્લાના ભાજપ ધારાભ્યોનો મુખ્યમંત્રીને કડક પત્ર
વડોદરા |
ગુજરાતમાં “ સુશાસન”ના દાવાઓ વચ્ચે હવે બ્યુરોક્રસીની મનમાની સામે ખુદ સત્તાધારી પક્ષના ધારાસભ્યો બળવો પોકારી રહ્યા છે. વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક કડક અને આક્રમક પત્ર લખી અધિકારીઓની કામચલાઉ, અહંકારભરી અને જનવિરોધી કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે રાજ્યમાં ફાઈલ રાજ ચાલે છે, જનતા નહીં. સામાન્ય નાગરિકથી માંડીને જનપ્રતિનિધિઓ સુધી—બધાને સરકારી કચેરીઓમાં પોતાના જ હકના કામ માટે લડવું પડી રહ્યું છે. અધિકારીઓ ધારાસભ્યોને પણ “ધારાસભ્યની ભલામણ છે?” જેવા પ્રશ્નો પુછી અપમાનિત કરે છે, જે લોકશાહી માટે ખતરનાક સ્થિતિ હોવાનું પત્રમાં ઉલ્લેખાયું છે.
ભાજપના ધારાસભ્યોએ આક્ષેપ કર્યો છે કે કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિકારીઓ અને પોલીસ કમિશનરો પોતાની મનસ્વી રીતે કામ કરે છે
સોશિયલ મીડિયા અને વિડિયો કોન્ફરન્સ મારફતે માત્ર હકીકત છુપાવવાની તસવીરો બતાવવામાં આવે છે
જમીન પરની વાસ્તવિક સમસ્યાઓ દબાવી દેવામાં આવે છે
ધારાસભ્યો દ્વારા સૂચવાયેલા કામોને ઇરાદાપૂર્વક અટકાવવામાં આવે છે
પત્રમાં તો અહીં સુધી લખાયું છે કે,
“આ પ્રકારની બ્યુરોક્રેટિક માનસિકતા સુધાર્યા વિના વહીવટ ચલાવી શકાય નહીં.”
વડોદરા જિલ્લાના ધારાસભ્યોે માંગ કરી છે કે,
*અધિકારીઓને સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપવામાં આવે
“જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થતા પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવે
*સમસ્યાના સમયમર્યાદામાં ઉકેલ લાવવામાં આવે
*નહીં તો લોકવિરોધી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે
આ પત્ર પર વડોદરા જિલ્લાના ભાજપના ધારાસભ્યોના હસ્તાક્ષર છે, જે બતાવે છે કે અસંતોષ માત્ર અંદરખાને નથી, હવે ખુલ્લેઆમ ફાટી નીકળ્યો છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે
👉 જ્યારે સત્તાધારી પક્ષના ધારાસભ્યો જ બ્યુરોક્રસી સામે આક્રમક થાય, ત્યારે સામાન્ય જનતાની હાલત કેટલી દયનીય હશે?
હવે બધાની નજર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર છે—
શું તેઓ બ્યુરોક્રસી પર લગામ કસશે કે પત્ર ફાઈલમાં જ દફન થઈ જશે?
પત્રમાં આ ધારાસભ્યોની સહી
- શૈલેષ મહેતા, ડભોઇ
- ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વાઘોડિયા
- ચૈતન્યસિંહ ઝાલા, પાદરા
- અક્ષય પટેલ, કરજણ
- કેતન ઇનામદાર , સાવલી