PM હોટેલના રૂમ નં. 504માંથી દારૂનો મુદ્દામાલ જપ્ત
(વડોદરા, તા. 8)
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે અચાનક રેડ કરી હતી. સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમે PM હોટેલના રૂમ નંબર 504માં દરોડો પાડી 8 દારૂડિયાને રંગેહાથ ઝડપ્યા હતા. પોલીસને જોઈને દારૂ પીનારાઓનો નશો પણ ઉતરી ગયો હોવાનું દ્રશ્ય જોવા મળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, 7 જાન્યુઆરીના રોજ સયાજીગંજ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન જૂના વિટકોસ બસ સ્ટેશન પાસે બાતમી મળી હતી કે સયાજીગંજ સ્થિત PM હોટેલના રૂમ નં. 504માં કેટલાક લોકો ભેગા થઈ ઇંગ્લીશ દારૂની પાર્ટી માણી રહ્યા છે. બાતમીને આધારે પોલીસે તાત્કાલિક હોટેલમાં રેડ કરી હતી.
પોલીસે દરવાજો ખખડાવતા એક શખ્સે દરવાજો ખોલ્યો હતો. અંદર તપાસ કરતા આઠ શખ્સો બેડ અને ટેબલ પાસે બેસી દારૂ પીતા મળી આવ્યા હતા. પોલીસે તમામને ઝડપી પાડી સ્થળ પરથી સીલ તૂટેલી દારૂની બોટલ, બે સીલબંધ બોટલ (કિંમત અંદાજે ₹4,000), 8 પ્લાસ્ટિકના ગ્લાસ અને 4 મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં
રામલાલ વેનીરામ ખટીક (આજવા રોડ, વડોદરા),
ગોપાલ સંજય પાટીલ (ઉધના, સુરત),
અજય મુલચંદ સુખવાની (મહારાષ્ટ્ર),
દીપ સંતોષકુમાર શર્મા (મહારાષ્ટ્ર),
કૈલાશ કનૈયાલાલ જગ્યાસી (વારસીયા, વડોદરા),
મોહનલાલ ચૌધરી (તરસાલી),
લલીતકુમાર સુરેશકુમાર ચૌધરી (તરસાલી)
અને શંકર કેવલરામ જેઠવાણી (સમા રોડ, વડોદરા)નો સમાવેશ થાય છે.
પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.