Vadodara

એરપોર્ટ સર્કલ પાસે નશામાં ધૂત આઇસર ચાલકનો કહેર: એકનું મોત, અનેક વાહનોનો કચ્ચરઘાણ

ભારે વાહનોના શહેરમાં પ્રવેશના સમય મામલે સ્થાનિકોમાં રોષ :

અકસ્માત બાદ ચાલક ફરાર, હરણી પોલીસે તપાસ તેજ કરી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.8

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા એરપોર્ટ સર્કલ પાસે આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે અને વાંકીચૂકી આવી રહેલી એક આઇસર ટ્રકે બે ટુ-વ્હીલર અને એક ફોર-વ્હીલર ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આઇસર ચાલક ગાડી પરનું નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને રસ્તા પર વાહન વાંકુંચૂકું ચલાવી રહ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે ચાલક અત્યંત નશાની હાલતમાં જણાઈ રહ્યો હતો અને ગાડીની ઝડપ પણ મર્યાદા કરતા ઘણી વધારે હતી. અકસ્માત સર્જ્યા બાદ આઇસર ચાલક પોતાની ગાડી મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતને પગલે એરપોર્ટ સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

બનાવની જાણ થતા જ હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે ફરાર આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે શહેરમાં ભારે વાહનોના પ્રવેશના સમયનું કડક પાલન થવું જોઈએ. જો પોલીસ તંત્ર દ્વારા હેવી વાહનોને સમય પહેલા શહેરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હોત, તો આજે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવો ન પડત.

Most Popular

To Top