SURAT

સુરતના પતંગ બજારમાં આવી પહોંચ્યો ‘લાલો’, માંજો જાતે જ લપેટાઈ જાય તેવી ફિરકીની ડિમાન્ડ

મકરસંક્રાંતિના તહેવારને હવે ગણતરીના થોડા જ દિવસો બાકી રહ્યા છે. ઉતરાયણ નજીક આવતા જ સુરત શહેરમાં તહેવારી માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને સુરતનો જાણીતા પતંગ બજાર ડબગરવાડ વિસ્તારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી લઈને મોડી રાત સુધી અહીં પતંગ ખરીદવા માટે લોકો ઉમટી રહ્યા છે.

ડબગરવાડ પતંગ બજારને ઉતરાયણનું હૃદય કહેવાય છે. અહીં નાના બાળકો માટેના રંગબેરંગી નાના પતંગથી લઈને મોટા અને ખાસ ડિઝાઇનવાળા પતંગ મળે છે. સાદા પતંગ ઉપરાંત કાર્ટૂન, ફિલ્મી પાત્રો અને વિવિધ થીમ પર પતંગો મળે છે.

આ વર્ષે બજારમાં ગુજરાતી ફિલ્મ ‘લાલો’ (Lallo) મૂવી થીમ પર આધારિત પતંગો પણ ખાસ જોવા મળી રહ્યા છે. આ પતંગો યુવા પેઢી અને બાળકોમાં ભારે લોકપ્રિય બન્યા છે. ઘણા દુકાનદારો પાસે ‘લાલો’ પ્રિન્ટેડ પતંગ માટે ખાસ પૂછપરછ થતી જોવા મળે છે.

પતંગ સાથે સાથે બજારમાં વિવિધ પ્રકારની ફિરકી, દોરી અને અન્ય સામગ્રી પણ મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે.

બેટરી વાળી ફિરકીએ ધ્યાન ખેચ્યું
હવે પતંગ ચગાવવા માટે દોરી હાથથી લપેટવાની જરૂર નથી. ડબગરવાડ પતંગ બજારમાં બેટરીથી ચાલતી ઓટોમેટિક ફિરકીએ પણ લોકોનું ધ્યાન ખેચ્યું છે. જેમાં એક બટન દબાવતા જ દોરી આપોઆપ લપેટાઈ જાય છે. ખાસ કરીને બાળકો અને યુવા પેઢીમાં આ ફિરકી ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. વેપારીઓનું કહેવું છે કે બેટરી વાળી ફિરકીથી હાથ દુઃખવા, દોરી ગૂંચવાવાની સમસ્યા ઓછી થાય છે અને પતંગ ચગાવવું વધુ સરળ અને મઝેદાર બને છે.

નાના બાળકો માટે પણ રમકડાંના પતંગ જોવા મળ્યા
જોકે નાના બાળકોને ધ્યાનમાં રાખીને બજારમાં ખાસ નાનકડા રમકડાંના પતંગ જોવા મળી રહ્યા છે. અંદાજે 5 ઇંચ કરતાં પણ નાની સાઈઝના રંગબેરંગી અને આકર્ષક ડિઝાઇનવાળા પંતંગો પણ ઉપલબ્ધ છે. આ પતંગો નાના બાળકોને ખુબજ પસંદ પડી રહ્યા છે.

બજારમાં પરિવાર સાથે આવતા લોકો ઉપરાંત યુવાનો અને બાળકોનો ઉત્સાહ ખાસ જોવા મળી રહ્યો છે. માતા-પિતા પોતાના બાળકો માટે મનપસંદ પતંગ પસંદ કરતા નજરે પડે છે. જ્યારે યુવાનો મિત્રો સાથે ઉતરાયણ માટે ખાસ પતંગ અને ફિરકી ખરીદતા દેખાય છે.

સુરતીઓ માટે ઉતરાયણ માત્ર તહેવાર નહીં પરંતુ પરંપરા, આનંદ અને એકતાનું પ્રતિક છે અને આ ઉત્સાહની શરૂઆત ડબગરવાડ પતંગ બજારથી જ થતી હોય તેમ લાગી રહ્યું છે.

Most Popular

To Top