Vadodara

ગોત્રીમાં તંત્રની ‘ઘોર નિદ્રા’: પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર જળનો વેડફાટ

શિયાળામાં ચોમાસા જેવો માહોલ; રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો સ્લીપ થયા, સ્થાનિકોમાં રોષ

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ગોત્રી પાણીની ટાંકીથી યસ કોમ્પ્લેક્સ તરફ જવાના મુખ્ય માર્ગ પર છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાણીની લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે. જેના કારણે હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા શિયાળાની ઋતુમાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગોત્રી ગામ ઠાકોર ફળિયાની સામે આવેલા વાલ્વમાં લીકેજ હોવાને કારણે સતત પાણી વહી રહ્યું છે. આ સ્થિતિને કારણે રસ્તા પર કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. ઓફિસે કે કામે જતાં વાહનચાલકોના કપડાં બગડી રહ્યા છે અને પાણીને કારણે ટુ-વ્હીલર સ્લીપ થવાની ઘટનાઓ પણ બની રહી છે, જે અકસ્માતને આમંત્રણ આપી રહી છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, પાણીની લાઈન સાથે ગટરનું પાણી પણ ઉભરાઈ રહ્યું છે. શુદ્ધ પાણી અને ગટરનું પાણી મિક્સ થવાને કારણે વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક નાગરિક ધર્મેશ ઠાકોરે જણાવ્યું હતું કે, “વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સવારના સમયે પાણીનો વેડફાટ સૌથી વધુ હોય છે.”

એક તરફ વડોદરાના અનેક વિસ્તારોમાં પાણીની અછતની બૂમો ઉઠે છે, ત્યારે બીજી તરફ લાખો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે. તંત્રની આ નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓની માંગ છે કે વહેલી તકે આ લીકેજનું સમારકામ કરવામાં આવે જેથી પાણીનો બચાવ થાય અને વાહનચાલકોને પડતી મુશ્કેલીનો અંત આવે.

Most Popular

To Top