Vadodara

વડોદરાવાસીઓ પી રહ્યા છે ‘ઝેર’ના ઘૂંટડા: પાલિકાના પાણીના રિપોર્ટમાં ૯ નમૂના ફેલ!​

ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પાણીની લાઈનોમાં ભ્રષ્ટાચાર કે બેદરકારી? 20 દિવસથી ગંદુ પાણી આવતા રોગચાળાની દહેશત

વડોદરા : મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનાઓના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા 858 નમૂનાઓમાંથી 9 નમૂના ફેલ જાહેર થયા છે. શહેરના ચાર ઝોન પૈકી ઉત્તર ઝોનમાં 6 અને દક્ષિણ ઝોનમાં 3 નમૂનાઓ પીવાલાયક ન હોવાનું સામે આવ્યું છે.

પાલિકાના સત્તાવાર રિપોર્ટ મુજબ, ઉત્તર ઝોનના નવાયાર્ડ વિસ્તારના સરસ્વતીનગર અને તરસાલીના વૃંદાવન પાર્ક વિસ્તારમાં પાણીના નમૂના ફેલ થયા છે. આ ઉપરાંત ડિફેન્સ કોલોની-2 માં પણ છેલ્લા 15-20 દિવસથી ગંદા પાણીની ગંભીર સમસ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. દક્ષિણ ઝોનમાં પાણીની લાઈનમાં મોટા લીકેજને કારણે પાણી દૂષિત થઈ રહ્યું હોવાની આશંકા છે.

ડિફેન્સ કોલોનીના રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા 20 દિવસથી તેઓ ગંદુ પાણી પીવા મજબૂર હતા. પાલિકા ઠેર-ઠેર ખાડા ખોદીને ફોલ્ટ શોધવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કાયમી ઉકેલ હજુ મળ્યો નથી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વારંવારની રજૂઆતો અને આંદોલનો બાદ તંત્ર જાગ્યું છે.

દૂષિત પાણીના રિપોર્ટ જાહેર થયા બાદ શહેરમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. જો પાલિકા વહેલી તકે લીકેજ અને દૂષિત પાણીની સમસ્યા હલ નહીં કરે તો શિયાળાની ઋતુમાં પાણીજન્ય રોગો માથું ઊંચકી શકે છે. હાલમાં પાલિકા અન્ય વિસ્તારોમાં પણ તપાસ તેજ કરી રહી છે.

રિપોર્ટ ફેલ આવ્યા બાદ પાલિકાની તાત્કાલિક કાર્યવાહી:
*​ઉત્તર ઝોનના વોર્ડ નંબર 13માં દૂષિત પાણીની લાઈન કાપી નાખવામાં આવી છે.
*​વોર્ડ નંબર 2 માં પણ બે સ્થળે લીકેજ મળી આવતા તેની મરામત શરૂ કરાઈ છે.
*​પૂર્વ ઝોનના વોર્ડ 5 માં પણ તપાસના ભાગરૂપે લાઈન કટ કરવામાં આવી છે.
*​જ્યાં સુધી ફોલ્ટ ન મળે ત્યાં સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Most Popular

To Top